નવી દિલ્હીઃ લગ્ન દરમિયાન જ્યારે આભૂષણની વાત આવે તો મોટાભાગની દુલ્હનોની પસંદ સોનું અને હીરાના આભૂષણ હોય છે. પરંતુ એક પાકિસ્તાની દુલ્હને ટામેટાને લગ્નના ડ્રેસ સાથે આભૂષણ તરીકે પહેરવાનો નિર્ણય કર્યો. એક ટેલીવિઝન ચેનલ દ્વારા દુલ્હનનો ઈન્ટરવ્યૂનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

પાકિસ્તાની પત્રકાર નાયલા ઇનાયતે ઇન્ટરવ્યૂની એક ક્લિપ ટ્વીટ કરી છે. નાયલાએ કેપ્શનમાં લખ્યું, “ટામેટાના આભૂષણ. જો તમને લાગતું હોય કે તમે જીવનમાં બધુ જોયું છે.”


2 મિનિટ 20 સેકન્ડની વાયરલ ક્લિપમાં દુલ્હન ટામેટાના આભૂષણ પહેરેલી જોવા મળી રહી છે. પાકિસ્તાનમાં હાલમાં ટામેટાની કિંમત 300 રૂપિયા પ્રતિ કિલોને પાર કરી ગઈ છે. વીડિયોમાં દુલ્હન કહે છે કે, “તમે જાણો છો તેમ, સોનાની કિંમત ખૂબ જ વધારે ચે અને ટામેટાની કિંમત પણ. માટે, મેં સોનાની જગ્યાએ ટામેટાનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો.”

ટ્વિટર પર આ વીડિયો 32 હજારથી વધારે વખત જોવામાં આવ્યો છે. જ્યારે અત્યાર સુધીમાં તેને 2.6 લાઈક્સ મળ્યા છે. કેટલાક લોકોએ ફની કમેન્ટ કરતાં દુલ્હનને પાકિસ્તાનની સૌથી અમીર મહિલા ગણાવી છે.