કહેવામાં આવી રહ્યું છે કે બ્રિટનના રાજદૂત વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની શોકસભામાં સામેલ થયા હતા. આ દરમિયાન આ શોક સભા વિરોધ પ્રદર્શનમાં બદલાઇ ગઇ હતી. દૂતાવાસમાં પાછા ફરતી વખતે તેઓ એક સલૂનમાં વાળ કપાવવા રોકાઇ ગયા હતા જ્યાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં ઇન્ટરનેશનલ દબાણના કારણે તેમને મુક્ત કરી દેવાયા હતા. ઇરાનના એક ન્યૂઝપેપરે ધરપકડ બાદ રાજદૂતની ફોટો પણ ટ્વિટ કર્યો હતો.
બ્રિટનના વિદેશ મંત્રી ડોમિનિક રાબે રાજદૂત રોબ મકાયરે અટકાયતમાં લીધા બાદ એક નિવેદનમાં કહ્યું કે, કોઇ પણ પ્રકારના આધાર અને વ્યાખ્યા વિના તેહરાનમાં અમારા રાજદૂતની અટકાયત કરવી ઇન્ટરનેશનલ કાયદાનો ભંગ છે. મંત્રીએ ઇરાનને ચેતવણી આપી હતી કે તેમણે વાતચીત મારફતે દબાણને ઓછો કરવાની દિશામાં આગળ વધવું જોઇએ. નોંધનીય છે કે સરકાર વિરોધી પ્રદર્શનમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ પ્રદર્શનકારીઓએ ઇરાનના સુપ્રીમ લીડર નેતા આયતુલ્લા અલી ખામનેઇના રાજીનામાની માંગ કરી હતી. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પ્રદર્શનકારીઓને પોતાનું સમર્થન આપ્યું હતું.