લાહોરઃ પાકિસ્તાનમાં લઘુમતીઓના અધિકાર છીનવવાનો વધુ એક મામલો સામે આવ્યો છે. અહી મુલ્તાન બાર એસોસિયેશને એક પ્રસ્તાવ પાસ કર્યો છે જેમાં અહમદી સહિત તમામ બિન મુસ્લિમ વકીલોને બાર કાઉન્સિલની ચૂંટણીમાં ભાગ લેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.


ન્યૂઝ એજન્સી આઇએનએસએ પાકિસ્તાની મીડિયાને ટાંકીને એક રિપોર્ટમાં જણાવ્યું કે,આ પ્રસ્તાવ જિલ્લા બાર એસોસિયેશન ઓફ મુલ્તાનના વકીલો દ્ધારા રજૂ કરવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે બાર ચૂંટણી લડનારા વકીલોને ઇસ્લામમાં પોતાની આસ્થા સાબિત કરવા માટે એક એફિડેવિટ રજૂ કરવાની રહેશે.

જોકે, પાકિસ્તાનમાં તેનો વિરોધ શરૂ થઇ રહ્યો છે. ત્યાંના લોકો સોશિયલ મીડિયા પર આ પગલાની ટીકા કરી રહ્યા છે. પાકિસ્તાનના લોકો બાર એસોસિયેશનની ભેદભાવવાળી માનસિકતા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ખૂબ લખી રહ્યા છે.

લઘુમતીઓ પર આ પ્રકારના ભેદભાવના કારણે ઇન્ટરનેશનલ સ્તર પર પણ પાકિસ્તાનની ટીકા થઇ રહી છે. ઇન્ટરનેશનલ મીડિયામાં રિપોર્ટ આવતા રહે છે કે  પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતિઓ સાથે ભેદભાવ થઇ રહ્યો છે.