British Pm Rishi Sunak Defends Pm Modi : બ્રિટનની મીડિયા સંસ્થા બીબીસીએ એક ડોક્યુમેન્ટ્રી બનાવી છે. 'ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન' નામની આ ડોક્યુમેન્ટ્રીને લઈને વિવાદ ઊભો થયો છે. આ દરમિયાન બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનાકે બીબીસીની આ વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખુલ્લો બચાવ કર્યો હતો. પાકિસ્તાની મૂળના બ્રિટિશ સાંસદના સવાલોના જવાબ આપતા સુનકે પીએમ મોદીનો બચાવ કર્યો હતો.
જાહેર છે કે, પીએમ મોદી અને બ્રિટિશ પીએમ ઋષિ સુનક વચ્ચે સારા સંબંધો છે. બંને નેતાઓ ગયા વર્ષે ઇન્ડોનેશિયામાં G-20 સમિટ દરમિયાન પ્રથમ વખત મળ્યા હતા.
ઋષિ સુનકના મૂળ ભારતમાં છે અને તે શરૂઆતથી જ યુકે-ભારત સંબંધોના હિમાયતી રહ્યાં છે. બીબીસીની એક ડોક્યુમેન્ટરીમાં દાવો કરવામાં આવ્યો છે કે, બ્રિટિશ સરકાર 2002ના ગુજરાત રમખાણોમાં ભારતીય નેતાની કથિત ભૂમિકા વિશે જાણતી હતી. અગાઉ ભારતના વિદેશ મંત્રાલયે 2002ના ગુજરાત રમખાણો પરની બીબીસી ડોક્યુમેન્ટરીને "દુષ્પ્રચારનો એક ભાગ" ગણાવ્યો હતો અને આ મામલે જણાવ્યું હતું કે, તે સ્પષ્ટપણે પૂર્વગ્રહ, નિષ્પક્ષતાનો અભાવ અને સંસ્થાનવાદી માનસિકતા દર્શાવે છે.
બીબીસી ડોક્યુમેન્ટરી 'ડિસઈન્ફોર્મેશન'નો ભાગ
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ નવી દિલ્હીમાં પત્રકારોના ડોક્યુમેન્ટરી પરના પ્રશ્નોના જવાબ આપતાં કહ્યું હતું કે, તે એક ચોક્કસ 'રોંગ નેરેટિવ'ને આગળ વધારવા માટે દુષ્પ્રચારનો એક ભાગ છે. આ મામલે ઋષિ સુનકને પૂછવામાં આવ્યું હતું કે, શું તે બીબીસીની ડોક્યુમેન્ટ્રીમાં કરાયેલા દાવા સાથે સહમત છે કે યુકેના વિદેશ કાર્યાલયના કેટલાક રાજદ્વારીઓ જાણે છે કે "વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધા જ જવાબદાર હતાં?".
પાકિસ્તાની મૂળના સાંસદે આ મુદ્દો ઉઠાવ્યો હતો
જવાબમાં સુનકે કહ્યું હતું કે, તેઓ પાકિસ્તાની મૂળના વિપક્ષી લેબર પાર્ટીના સાંસદ ઈમરાન હુસૈન દ્વારા વડાપ્રધાન મોદીના "ચરિત્ર ચિત્રણ" સાથે સહમત નથી. નોંધપાત્ર વાત એ છે કે, આ ડોક્યુમેન્ટરી ગુજરાતમાં જ્યારે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે થયેલા રમખાણો પર આધારીત છે.
સુનકે કહ્યું હતું કે, આ અંગે બ્રિટિશ સરકારની સ્થિતિ સ્પષ્ટ છે અને તે બિલકુલ પણ બદલાઈ નથી. પાકિસ્તાની મૂળના બ્રિટિશ સાંસદ ઈમરાન હુસૈન દ્વારા યુકેની સંસદમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને તેના પર ઋષિ સુનકના શું વિચાર છે તે પૂછવામાં આવ્યા હતા.