Brooklyn Subway Shooting: ન્યુયોર્કના બ્રોકલીનમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. બ્રોકલીનના એક મેટ્રો સ્ટેશન પર અજાણ્યા વ્યક્તિએ ફાયરિંગ કર્યું છે. શહેરના ફાયર ડિપાર્ટમેન્ટે આ ફાયરિંગની ઘટના વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ન્યૂયોર્કના બ્રુકલિનમાં સબવે સ્ટેશન પર ઘણા લોકોને ગોળી વાગી છે. આ મેટ્રો સ્ટેશન પર થયેલા ફાયરિંગનો એક ફોટો પણ સામે આવ્યો છે જેમાં લોકો સ્ટેશન પર લોહીલુહાણ હાલતમાં પડ્યા હોય એવું દેખાઈ રહ્યું છે.
ન્યુયોર્કમાં સબવે સ્ટેશન પર થયેલા આ ફાયરિંગમાં 13થી વધુ લોકોને ગોળીઓ વાગતાં ઈજાગ્રસ્ત થયા છે. આ ફાયરિંગ કોણે કર્યું તે અંગે કોઈ માહિતી નથી મળી પરંતુ ફાયરિંગ કરનાર શંકાસ્પદ વ્યક્તિએ બાંધકામ માટે વપરાતા કપડાં અને ગેસ માસ્ક પહેર્યું હતું. હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે.
ન્યુયોર્ક પોલીસે આપેલી માહિતી પ્રમાણે હુમલાખોર ગેસ માસ્ક પહેરીને આવ્યો હતો. પોલીસ જ્યારે ઘટનાસ્થળ પર પહોંચી ત્યારે ત્યાંથી મોટી સંખ્યામાં બોમ્બ પણ મળી આવ્યા છે. આટલી મોટી સંખ્યામાં લોકો ઉપર ફાયરિંગ કરવાનો રિપોર્ટ મળ્યા બાદ પોલીસ સનસેટ પાર્કના એક મેટ્રો સ્ટેશન પર કાર્યવાહી કરી રહી છે. FDNYએ કહ્યું કે, તેમને સનસેટ પાર્કમાં 36મી સ્ટ્રીટ મેટ્રો સ્ટેશન અંદર સવારે (અમેરિકાના સમય પ્રમાણે) 8.30 વાગ્યે ધુમાડા સાથે ફાયરિંગ થવાના સમાચાર મળ્યા હતા.
ન્યુ યોર્ક સિટીના મેયર એરિક એડમ્સના પ્રવક્તાએ ન્યૂ યોર્કવાસીઓને "પોતાની સલામતી માટે વિસ્તારથી દૂર રહેવાનું આહ્વાન કર્યું છે જેથી પોલીસ વહીવટીતંત્ર જરૂરિયાતમંદ લોકોની મદદ અને તપાસ કરી શકે."
હાલ સ્ટેશનના રુટ પર આવી રેહલી ચાર ટ્રેનો પણ મોડી ચાલી રહી હોવાના અહેવાલ મળ્યા છે. ન્યૂયોર્ક ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે તેમને પહેલાં સ્ટેશનની અંદર ધુમાડા વિશે કોલ મળ્યો હતો, પરંતુ ત્યાં ગયા બાદ ગોળી વાગવાથી ઘણા લોકો ઘાયલ થયા હોવાનું ફાયર અધિકારીઓને જણાયું હતું.
આ પણ વાંચોઃ