Canada: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે. તેમના નિવેદન બાદ ભારતે પણ કડક વલણ અપનાવ્યું હતું. વાસ્તવમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સોમવારે સંસદ પહોંચ્યા ત્યારે તેમણે ભારત વિશે કંઈક એવું કહ્યું, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો. ટ્રુડોએ કેનેડાની સંસદમાં ભારત પર નિશાન સાધ્યું. તેમણે ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ પહેલીવાર છે જ્યારે કોઈ દેશે ભારત પર આટલા ગંભીર આરોપો લગાવ્યા હોય.


ટ્રુડોએ સંસદની અંદર કહ્યું હતું કે કેનેડિયન નાગરિકની પોતાની ધરતી પર હત્યામાં કોઈપણ વિદેશી સરકારની સંડોવણી સહન કરવામાં આવશે નહીં. આ આપણા સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે, જે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. આ પછી કેનેડાએ ભારતના ટોચના રાજદ્વારીને હાંકી કાઢ્યા અને તેમને દેશ છોડવાનો આદેશ આપ્યો. ભારત સરકારે કેનેડાના આ આરોપને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. થોડા સમય બાદ ભારતે કેનેડાના એક વરિષ્ઠ રાજદ્વારીને પણ કાઢી મુક્યા હતા અને તેમને પાંચ દિવસમાં ભારત છોડવા કહ્યું હતું.


ભારતની ઝડપી કાર્યવાહી બાદ કેનેડાનું વલણ હવે નરમ પડ્યું છે. રોઇટર્સના રિપોર્ટ અનુસાર, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ મંગળવારે જણાવ્યું હતું કે કેનેડા શીખ અલગતાવાદી નેતાની હત્યા સાથે તેના એજન્ટોની સંડોવણી હોવાનું કહીને ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યું નથી પરંતુ તેઓ ઇચ્છે છે કે ભારત આ મુદ્દાનો યોગ્ય રીતે ઉકેલ લાવે. ટ્રુડોએ પત્રકારોને કહ્યું હતું, ભારત સરકારે આ બાબતને ખૂબ ગંભીરતાથી લેવાની જરૂર છે. અમે ભારતને ઉશ્કેરવા કે મુદ્દાને આગળ લઈ જવાનો વિચાર કરી રહ્યા નથી.


ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં કડવાશ વધી


ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડાના આરોપનો જવાબ આપતા કહ્યું કે કેનેડામાં હિંસાના કોઈપણ કૃત્યમાં ભારત સરકારની સંડોવણીના આરોપો વાહિયાત છે. ભારતે કહ્યું છે કે આવા પાયાવિહોણા આરોપો ખાલિસ્તાની આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરે છે, જેમને કેનેડામાં આશ્રય આપવામાં આવ્યો છે અને જેઓ ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે ખતરો છે. આ મુદ્દે કેનેડિયન સરકારની નિષ્ક્રિયતા લાંબા સમયથી અને સતત ચિંતાનો વિષય છે.