Canada:  કેનેડાએ ભારતમાં તેના નાગરિકો માટે તેની ટ્રાવેલ એડવાઈઝરીને અપડેટ કરી છે. નવી ટ્રાવેલ એડવાઈઝરીમાં તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં રાખીને લોકોને સતર્ક રહેવા અને સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પર કેનેડા પ્રત્યે વિરોધ અને નકારાત્મક લાગણીઓને કારણે ટ્રાવેલ એડવાઈઝરીને અપડેટ કરવામાં આવી છે. 






કેનેડાની સરકારે રવિવારે એક અપડેટમાં જણાવ્યું હતું કે કેનેડા અને ભારતમાં તાજેતરમાં બનેલી ઘટનાઓને પગલે સોશિયલ મીડિયા પર કેનેડા પ્રત્યે વિરોધ અને કેટલીક નકારાત્મક લાગણીઓ જોવા મળી રહી છે. કૃપા કરીને સાવધાન રહો અને સાવચેતી રાખો. અગાઉ ભારતે કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે સમાન એડવાઈઝરી જાહેર કરી હતી. ભારતે ગયા અઠવાડિયે કેનેડામાં વિઝા સેવાઓ પણ સ્થગિત કરી દીધી હતી.


બ્રિટિશ કોલંબિયામાં 18મી જૂને ખાલિસ્તાની ઉગ્રવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણીના કેનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના આક્ષેપ બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધ્યો હતો. ભારતે 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો. ભારતે આરોપોને 'વાહિયાત' અને રાજકારણ 'પ્રેરિત' ગણાવીને ફગાવી દીધા હતા અને કેનેડાએ એક ભારતીય અધિકારીની હકાલપટ્ટી કરી હતી તો ભારતે પણ બદલામાં એક વરિષ્ઠ કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા.


અગાઉ મીડિયાને સંબોધતા ટ્રુડોએ કહ્યું કે કેનેડાએ ભારત સાથે 'વિશ્વસનીય' આરોપો શેર કર્યા છે જે અંગે મેં સોમવારે વાત કરી હતી. અમે કેટલાક અઠવાડિયા પહેલા ભારત સાથે ગુપ્તચર માહિતી શેર કરી હતી. કેનેડાના પીએમએ કહ્યું કે અમે ભારત સાથે રચનાત્મક રીતે કામ કરવા માંગીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે તેઓ અમને સહકાર આપશે જેથી અમે આ અત્યંત ગંભીર બાબતના ઉંડાણમાં જઈ શકીએ.


મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે કેનેડા સરકાર એક મહિનાથી ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યાની તપાસ કરી રહી છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગુપ્તચર માહિતીમાં કેનેડામાં હાજર ભારતીય અધિકારીઓ સાથેની વાતચીતનો સમાવેશ થાય છે.