Swaminarayan Akshardham: અમેરિકાના ન્યૂજર્સીમાં વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું હિન્દુ મંદિર તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરનું ઉદ્ઘાટન 8 ઓક્ટોબરે કરવામાં આવશે. આ અક્ષરધામનું નિર્માણ કામ 2011 માં શરૂ થયું અને 12,500 થી વધુ સ્વયંસેવકોએ તેના નિર્માણમાં મદદ કરી હતી. અક્ષરધામના ઔપચારિક ઉદ્ઘાટન પહેલા જ અહીં દરરોજ હજારો લોકો દર્શન માટે આવે છે. 183 એકરમાં બનેલું આ મંદિર પ્રાચીન હિંદુ શાસ્ત્રો અનુસાર બનાવવામાં આવ્યું છે. તે પ્રાચીન ભારતીય સંસ્કૃતિને દર્શાવે છે, જેમાં 10,000 શિલ્પો અને મૂર્તિઓ, ભારતીય સંગીતનાં સાધનોની કોતરણી અને નૃત્ય સ્વરૂપોનો સમાવેશ થાય છે. આ મંદિર કંબોડિયાના અંગકોરવાટ પછી બીજું સૌથી મોટું મંદિર છે.




અમેરિકાના સૌથી મોટા અને ભારતની બહાર બીજા સૌથી મોટા હિંદુ મંદિર BAPS સ્વામિનારાયણ અક્ષરધામ આઠ ઓક્ટોબરથી ભક્તો માટે ખોલવામાં આવશે. ન્યૂઝ એજન્સી એએનઆઇના અહેવાલ અનુસાર, આ મંદિર કંબોડિયાના અંગરકોરવાટ પછી વિશ્વનું બીજું સૌથી મોટુ મંદિર છે. અંગકોરવાટ મંદિર 500 એકરમાં ફેલાયેલું છે. ઉદ્ધાટન અગાઉ હજારો લોકો આ મંદિરના દર્શને આવે છે. અક્ષરધામ મંદિર 183 એકરમાં ફેલાયેલું છે.  તે પ્રાચીન હિન્દુ ધર્મગ્રંથો અનુસાર ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેમાં 10,000 મૂર્તિઓ અને પ્રતિમાઓ, ભારતીય સંગીત વાદ્યયંત્રો અને નૃત્ય સ્વરૂપોનું નકશીકામ કરવામાં આવ્યું છે.




એએનઆઇના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ મંદિર ઈટાલિયન કેરારા માર્બલનો ઉપયોગ કરીને નાગરડી શૈલીમાં બનાવવામાં આવ્યું છે. મિન્ટે અહેવાલ આપ્યો હતો કે ભારતની બહાર બાંધવામાં આવેલ વિશ્વનું બીજું સૌથી મોટું મંદિર 255 ફૂટ x 345 ફૂટ x 191 ફૂટનું છે. મંદિરની ડિઝાઇનમાં એક મુખ્ય મંદિર, 12 ઉપ-તીર્થસ્થાનો, નવ શિખરો અને નવ પિરામિડ શિખરોનો સમાવેશ થાય છે.






અક્ષરધામમાં અત્યાર સુધીનો સૌથી મોટો લંબગોળ ગુંબજ છે જે પરંપરાગત પથ્થરના સ્થાપત્યમાં બાંધવામાં આવ્યો છે. તે હજાર વર્ષ સુધી ટકી રહે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. અક્ષરધામ માટે પસંદ કરાયેલા ચાર પ્રકારના પત્થરોમાં ચૂનાનો પત્થર, ગુલાબી સેંડસ્ટોન, માર્બલ અને ગ્રેનાઈટનો સમાવેશ થાય છે, જે ભારે ગરમી અને ઠંડીનો સામનો કરી શકે છે.


બાંધકામમાં અંદાજે 20 લાખ ઘનફૂટ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે બલ્ગેરિયા અને તુર્કીમાંથી ચૂનાના પત્થરો સહિત વિશ્વભરના વિવિધ સ્થળો પરથી મેળવવામાં આવ્યો હતો. મંદિરમાં ગ્રીસ, તુર્કી અને ઇટાલીનો આરસ, ભારત અને ચીનમાંથી ગ્રેનાઈટ,  ભારતના સેન્ડસ્ટોન અને યુરોપ, એશિયા, લેટિન અમેરિકાના અન્ય સુશોભન પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અક્ષરધામના નિર્માણમાં બીએપીએસના હજારો સ્વયંસેવકોએ મદદ કરી હતી.


પ્રોજેક્ટમાં કાર્યરત યજ્ઞેશ પટેલે ANIને જણાવ્યું હતું કે  "અહીં ઈતિહાસ રચવામાં આવી રહ્યો છે. મંદિર તમામ મુલાકાતીઓ માટે ઓપન થવાથી તેઓ ભારતીય કલા અને સ્થાપત્ય, સંસ્કૃતિ શીખશે.


બીએપીએસના સાધુ અક્ષરવત્સલદાસ સ્વામીએ કહ્યું હતું કે આ અમારા ગુરુ પ્રમુખસ્વામી મહારાજનો સંકલ્પ હતો. આ અક્ષરધામ પરંપરાગત હિંદુ મંદિર સ્થાપત્ય અનુસાર બનાવવામાં આવ્યું છે.આ મંદિરનું વિધિવત ઉદ્ઘાટન 8 ઓક્ટોબરે કરવામાં આવશે અને 18 ઓક્ટોબરથી સામાન્ય ભક્તો માટે ખોલવામાં આવશે.


સ્વયંસેવક જેના પટેલે ANIને કહ્યું હતું કે "મારા ગુરુએ મારા માટે જે કાંઇ કર્યું છે તેના કારણે હું બધુ છોડીને અહી આવી ગઇ.  તેમનું સપનું હતું કે અમે અમારી ભારતીય સંસ્કૃતિને પ્રદર્શિત કરવા અને ફેલાવવા માટે અહીં એક સ્મારક, એક મહામંદિર બનાવીએ. આ મારી ઓળખનો એક હિસ્સો છે કે હું એક હિંદુ-અમેરિકન તરીકે કોણ છું, અને તેનો ભાગ બનવાનો આ એક માર્ગ હતો. આ માત્ર મારા માટે આભાર કહેવાની એક નાની રીત છે."