China Ban Apple iPhone: ચીને સરકારી એજન્સીઓમાં કામ કરતા અધિકારીઓને એપલના આઇફોન અને અન્ય વિદેશી બ્રાન્ડેડ મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવાનો આદેશ આપ્યો છે. સરકારી કર્મચારીઓને પણ ઓફિસમાં લાવવાની મનાઈ ફરમાવવામાં આવી છે. તાજેતરના અઠવાડિયામાં વિવિધ સરકારી એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓએ તેમના જૂનિયર કર્મચારીઓને ચેટ ગ્રુપ્સ અને મીટિંગમાં સરકારના આ આદેશની જાણકારી આપી હતી


વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર, ચીન દ્વારા આ પગલું ત્યારે લીધુ છે ત્યારે જ્યારે તે વિદેશી ટેક્નોલોજી પર નિર્ભરતા ઘટાડવા અને સાયબર સુરક્ષા વધારવા પર ભાર આપી રહ્યું છે. ચીન ઈચ્છતું નથી કે વિદેશી બ્રાન્ડના ડિવાઇસ દ્ધારા કોઈપણ પ્રકારની સંવેદનશીલ માહિતી દેશની બહાર જાય. તે માહિતીને મર્યાદિત કરવા માટે કામ કરી રહ્યું છે. ચીનને લાગે છે કે વિદેશી બ્રાન્ડના ફોન દ્વારા જાસૂસી થઈ શકે છે.


એપલ ચીનમાંથી મોટી કમાણી કરે છે


ચીન સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંને કારણે ચીનમાં હાજર એપલ સહિતની વિદેશી બ્રાન્ડ્સને ઘણું નુકસાન થઈ શકે છે. એપલ ચીનમાં સૌથી લોકપ્રિય મોબાઈલ ફોન બ્રાન્ડ છે. ચીન એપલનું સૌથી મોટું બજાર પણ છે. કંપનીના નફાનો 19 ટકા હિસ્સો માત્ર ચીનમાંથી જ આવે છે. તે સ્પષ્ટ નથી કે સરકારના આદેશનો કેટલો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. હજુ સુધી એપલ તરફથી આ મામલે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.


અગાઉથી લાગુ છે પ્રતિબંધો


ચીને પહેલાથી જ અમુક સરકારી એજન્સીઓના અધિકારીઓ માટે iPhonesના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર,  નવા આદેશ હેઠળ પ્રતિબંધનો વિસ્તાર વિસ્તૃત કરવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે આ વખતે પ્રતિબંધનો કડક અમલ કરવામાં આવશે. ચીન સરકારનો નવો આદેશ ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને દર્શાવે છે. અમેરિકા અને ચીન ટેક્નોલોજી પ્રોડક્ટ્સને લઈને સતત એકબીજા પર પ્રતિબંધ લગાવી રહ્યાં છે.


અમેરિકાએ તાજેતરમાં Huawei પર પ્રતિબંધો લગાવ્યા છે. ઉપરાંત, અમેરિકન અધિકારીઓને ચાઇનીઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોકનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે ચીને અમેરિકાના પ્રતિબંધોના જવાબમાં નવો વટહુકમ બહાર પાડ્યો છે. ડેટા લીક થવાનો ડર બંને દેશોને સતાવી રહ્યો છે. અમેરિકા લાંબા સમયથી ચીન પર જાસૂસીનો આરોપ લગાવી રહ્યું છે. જો કે ચીન તેના પર લાગેલા આરોપોને નકારી રહ્યું છે.