China Corona Cases: ચીનમાં કોરોનાની ચોથી લહેરે ભારે તબાહી મચાવી છે. સૌથી ભયાનક સ્થિતિ શાંઘાઈમાં છે. અહીં કડક લોકડાઉન બાદ પણ કોરોનાના કેસો અટકવાનું નામ નથી લઈ રહ્યા. શુક્રવારે, શાંઘાઈમાં એક જ દિવસમાં સૌથી વધુ દર્દીઓ મળી આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, શુક્રવારે 20700 દર્દીઓ એવા જોવા મળ્યા હતા જેમનામાં કોરોનાના લક્ષણો નહોતા, પરંતુ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 3400થી વધુ દર્દીઓ એવા મળી આવ્યા હતા જેમનામાં કોરોનાના લક્ષણો હતા.
કેસો વધતા ચીનની સરકારે લગભગ 15 દિવસ પહેલા શાંઘાઈમાં કડક લોકડાઉન લાદી દીધું હતું, પરંતુ તેના પછી પણ ત્યાં સ્થિતિ નિયંત્રણમાં હોય તેવું લાગતું નથી. અહીં દરરોજ સૌથી વધુ દર્દીઓ જોવા મળી રહ્યા છે. નેશનલ હેલ્થ કમિશન અનુસાર, અહીં રોજેરોજ કેસ વધી રહ્યા છે. શાંઘાઈ અને ચીનના અન્ય શહેરોમાં ચેપની તપાસ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ટેસ્ટિંગના અનેક રાઉન્ડ કરવામાં આવી રહ્યા છે. હોસ્પિટલોમાં પણ કોવિડના દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વધારાના બેડ અને વધારાની હોસ્પિટલો બનાવવામાં આવી છે.
ખાવાના પણ ફાંફા
કોરોનાને કારણે શાંઘાઈ ઘણા દિવસોથી બંધ છે. આ બધાની વચ્ચે અહીંના લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા ઘરોમાં ખાવાનું નથી. ચીનના સત્તાવાર ગ્લોબલ ટાઈમ્સના અહેવાલ મુજબ, શાંઘાઈ કોરોના વાયરસના સંદર્ભમાં તેના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. લોકોને ખાવાપીવાની પણ તકલીફ પડી રહી છે. ઈન્ટરનેટ પર લોકો સરકાર સામે ઘણો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. શાંઘાઈમાં સારવાર માટે રાહ જોઈ રહેલી વૃદ્ધ મહિલાના મોત બાદ લોકોમાં વધુ નારાજગી જોવા મળી રહી છે.
તો શું ચીન મૃત્યુ આંકડા છુપાવી રહ્યું છે?
રિપોર્ટ અનુસાર, ચીન ફરીથી કોરોનાથી મૃત્યુના આંકડા છુપાવી રહ્યું છે. શુક્રવારે, શાંઘાઈની એક હોસ્પિટલમાં લગભગ 12 વૃદ્ધોના કોરોનાથી મૃત્યુ થયા હતા, પરંતુ તેઓ કોરોનામાં ઉમેરાયા ન હતા. સરકારી માહિતી અનુસાર, શહેરમાં 2020થી આ રોગને કારણે કોઈ મૃત્યુ થયું નથી.