વિશ્વભરમાં થઈ ગાંધી જયંતીની ઉજવણી, પરંતુ આ દેશે કર્યું અપમાન
abpasmita.in | 03 Oct 2019 07:32 AM (IST)
બેઈજિંગના એક પબ્લિક પાર્કમાં 2005થી ગાંધી જયંતી ઉજવવામાં આવતી હતી.
નવી દિલ્હીઃ એક તરફ આખી દુનિયા મહાત્મા ગાંધીનાં જન્મદિવસને અહિંસા દિવસ તરીકે મનાવવામાં આવે છે તો બીજી તરફ ચીને બાપૂનાં સન્માનમાં આયોજિત કરવામાં આવનારા સમારંભને પરવાનગી આપવાની ના કહી દીધી. ચીનનાં એક પ્રસિદ્ધ પાર્કમાં છેલ્લા 14 વર્ષથી ગાંધી જયંતી મનાવવામાં આવતી હતી અને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હતા, પરંતુ આ વખતે આ કાર્યક્રમ આ પાર્કમાં ના થઇ શક્યો. ચીનનાં તંત્રએ પાર્કમાં સમારંભ આયોજિત કરવાની પરવાનગી આપી નહીં. ત્યારબાદ આ કાર્યક્રમ ભારતીય દૂતાવાસમાં જ કરવો પડ્યો. બેઈજિંગના એક પબ્લિક પાર્કમાં 2005થી ગાંધી જયંતી ઉજવવામાં આવતી હતી. જોકે, બાપૂની 150મી જન્મજયંતીનું આયોજન ન થઈ શક્યું. તંત્રએ પરવાનગી ન આપવા પાછળ કોઈ કારણ પણ જણાવ્યું નથી. ચાયોયાંગ પાર્કમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા પણ લગાવવામાં આવી છે. આ ચીનનો એકમાત્ર પ્રસિદ્ધ પાર્ક છે જ્યાં બાપૂની પ્રતિમા છે. ચીનના પ્રસિદ્ધ શિલ્પકાર યુઆન શિકુને આ મૂર્તિ બનાવી હતી. દર વર્ષે ભારતીય દૂતાવાસ અહીં ગાંધી જયંતી સમારોહનું આયોજન કરતું હતું અને પોતે યુઆનમાં આમાં હાજર રહેતા હતા. દૂતાવાસનાં અધિકારીઓએ જણાવ્યું કે, “દર વર્ષની માફક આ વર્ષે પણ પહેલાથી જ સમારંભ માટે પરવાનગી લેવા માટે આવેદન કરવામાં આવ્યું હતુ, પરંતુ અંતિમ સમયે ખબર પડી કે પરવાનગી નથી આપવામાં આવી. ત્યારબાદ કાર્યક્રમ દૂતાવાસનાં જ હૉલમાં કરવામાં આવ્યો.” દૂતાવાસનાં અધિકારીઓને પણ આશ્ચર્ય થયું કે કોઇ પણ કારણ વગર આવું કેમ કરવામાં આવ્યું? જુદા-જુદા દેશોએ પોતાની રીતે ગાંધીજીને યાદ કર્યા. પેલેસ્ટાઈને બાપૂને યાદ કરતા પોસ્ટની ટિકિટ ઈશ્યુ કરી. નેપાળમાં ગાંધી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. શ્રીલંકાના રાષ્ટ્રપતિ સિરિસેના અને વડાપ્રધાને પણ ગાંધીજીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા.