Taiwan : યુનાઇટેડ સ્ટેટ્સ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના 52મા સ્પીકર નેન્સી પેલોસીની તાઇવાન મુલાકાત બાદ તાઇવાન અને ચીન વચ્ચે તણાવ વધ્યો છે. પહેલા ચીને તાઇવાન પણ મિસાઇલો છોડી હતી અને હવે ચીનના 20 યુદ્ધવિમાન અને 14 જહાજ તાઇવાનની સીમામાં ઘુસ્યા છે. 


તાઇવાનની સીમામાં ઘુસ્યા ચીનના યુદ્ધવિમાન અને જહાજ
તાઈવાન સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ કરી કે સાંજે 5  વાગ્યા સુધીમાં 20 PLA ​​એરક્રાફ્ટ અને 14 PLA જહાજો તાઇવાનની સીમામાં ઘુસ્યા છે અને ​​તાઈવાન નજીકના પાણીની આસપાસ સંયુક્ત નૌકા અને હવાઈ કવાયત હાથ ધરી છે. જારી કરાયેલા ફ્લાઇટ પાથના આધારે, Y-20 એરિયલ રિફ્યુઅલિંગ એરક્રાફ્ટ પણ ADIZ તાઇવાનના દક્ષિણપશ્ચિમમાં પ્રવેશ્યું.


તાઇવાનના મિસાઇલ ઉત્પાદન અધિકારીનો મૃતદેહ મળી આવ્યો 
ચીનની ઉશ્કેરણી દરમિયાન તાઇવાનના એક અગ્રણી મિસાઇલ ઉત્પાદન અધિકારી એક હોટલમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. અધિકારીનો મૃતદેહ દક્ષિણ તાઈવાનની એક હોટલમાંથી મળી આવ્યો હતો. તાઈવાન પોલીસે આ જાણકારી આપી છે. અધિકારીના મોતનું કારણ જાણવામાં આવી રહ્યું છે.


તમને જણાવી દઈએ કે ચીનની ધમકીઓ અને તેની સૈન્ય કવાયતને કારણે તાઈવાન હાલમાં તણાવ અને સંઘર્ષથી ઘેરાયેલું છે. તેણે સમુદ્રમાં તેની સેના, મિસાઇલ સિસ્ટમ અને પેટ્રોલિંગ જહાજોને સક્રિય કરી દીધા છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયને ચીનની અતાર્કિક અને બેજવાબદારીભરી કાર્યવાહીને રોકવા માટે હાકલ કરી છે.


મૃતક અધિકારી અનેક મિસાઈલ પ્રોડક્શન પ્રોજેક્ટ ચલાવતા હતા
ન્યૂઝ એજન્સી રોયટર્સે સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીને ટાંકીને કહ્યું કે તાઈવાન ડિફેન્સ મિનિસ્ટ્રીના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ યુનિટના ડેપ્યુટી હેડ શનિવારે સવારે એક હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. CNA અનુસાર, સૈન્યની માલિકીની નેશનલ ચુંગ-શાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના ડેપ્યુટી હેડ ઓઉ યાંગ લી-હસિંગ, શનિવારે વહેલી સવારે દક્ષિણ તાઇવાનમાં એક હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અધિકારીના મૃત્યુનું કારણ જાણવામાં આવી રહ્યું છે. ઓ યાંગ પિંગટુંગની દક્ષિણી કાઉન્ટીમાં બિઝનેસ ટ્રિપ પર હતા. તેમણે આ વર્ષની શરૂઆતમાં અનેક મિસાઈલ પ્રોડક્શન પ્રોજેક્ટ્સની દેખરેખ માટે પદ સંભાળ્યું હતું.


ચીનના આક્રમક વર્તનને જોતા તાઈવાને મિસાઈલનું ઉત્પાદન વધાર્યું છે. તાઈવાનની સૈન્ય માલિકીની સંસ્થાની વાર્ષિક મિસાઈલ ઉત્પાદન ક્ષમતા બમણીથી વધુ વધીને 500ની નજીક પહોંચી ગઈ છે.