India China Relations: ઉલટા ચોર કોટવાલ કો ડાંટે... આ કહેવત ચીન પર બરાબર ફીટ બેસે છે. કારણ કે ચીને પૂર્વ લદ્દાખને અડીને આવેલા LAC પર ચાલી રહેલા વિવાદ માટે ભારતને જવાબદાર ઠેરવ્યું છે. ચીનના સંરક્ષણ મંત્રીએ આરોપ લગાવ્યો છે કે, ચીનની સરહદમાં ભારતીય સૈનિકોની ઘૂસણખોરીને કારણે LAC પર તણાવ શરૂ થયો હતો.


'ભારતીય સૈનિકો ચીનની સરહદમાં ઘૂસ્યા હતા'
ચીનના સંરક્ષણ પ્રધાન વાઈ ફેંગ રવિવારે સિંગાપોરમાં આયોજિત શાંગરી-લા-ડાયલોગને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં તેમણે આરોપ લગાવ્યો છે કે ભારતે એલએસી પર મોટી સંખ્યામાં હથિયારો એકઠા કર્યા છે અને ભારતીય સૈનિકો ચીનની સરહદમાં ઘૂસી ગયા હતા, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ શરૂ થયો હતો. જોકે, તેમણે કહ્યું કે LAC પર શાંતિ બંને દેશો (એટલે ​​કે ભારત અને ચીન)ના હિતમાં છે.


ચીનના રક્ષા મંત્રીએ કહ્યું કે બંને દેશોના સૈન્ય કમાન્ડરોએ લાઇન ઓફ કંટ્રોલ (LAC) પર તણાવને સમાપ્ત કરવા માટે 15 રાઉન્ડની બેઠકો કરી છે. તેમણે કહ્યું કે બંને દેશો શાંતિ જાળવવાના પ્રયાસ કરી રહ્યા છે.


ચીને મે 2020માં ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતોઃ
તમને જણાવી દઈએ કે, મે 2020માં ચીની સેનાએ પૂર્વી લદ્દાખને અડીને આવેલા LAC પર ઘણી જગ્યાએ ઘુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સિવાય ચીને એલએસી પર મોટી સંખ્યામાં સૈનિકો (50-60 હજાર) તેમજ ટેન્ક, તોપો અને મિસાઇલોને એકઠી કરી હતી. આ પછી ગલવાન ઘાટીમાં હિંસા થઈ અને બંને દેશો વચ્ચે તણાવ શરૂ થયો હતો. પરંતુ બે વર્ષ બાદ 15 રાઉન્ડની બેઠકો બાદ બંને દેશોની સેનાઓ ઘણી જગ્યાએ પીછેહઠ કરી છે, પરંતુ સરહદ પર તણાવ યથાવત છે. ચીન એલએસીના તેના વિસ્તારમાં ડિફેન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સૈન્ય તૈનાતીને વધુ મજબૂત કરી રહ્યું છે.