નવી દિલ્હીઃ ભારત અને ચીન સરહદ વિવાદ વચ્ચે  હવે ચીને આસપાસના દેશોમાં પણ ઘૂસણખોરી કરવાનું શરૂ કરી દીધું છે. એક રિપોર્ટ અનુસાર ચીને ભૂટાનની કેટલીક જમીન પર કબજો કરી લીધો છે. અહી એક વર્ષની અંદર ચાર ગામ વસાવી લીધા છે.


ચીની સૈન્ય વિકાસ પર એક વૈશ્વિક તપાસકર્તા તરફથી ટ્વિટ કરવામાં આવેલી નવી સેટેલાઇટ તસવીરોમાં ભૂટાનના ક્ષેત્રમાં ચીની ગામનું નિર્માણ દેખાઇ રહ્યું છે.આ ક્ષેત્ર ડોકલામ પાસે ભૂટાન અને ચીનની વચ્ચે વિવાદીત જમીન પર સ્થિત છે. જેમાં 2020 અને 2021 વચ્ચેના સમયગાળામાં નિર્માણમાં ઝડપ જોવા મળી હતી. અત્યાર સુધી ચીને લગભગ 100 કિ.મી ચોરસ વિસ્તારમાં કેટલાય નવા ગામો વસાવ્યા છે.






જોકે હજુ એ સ્પષ્ટ થઇ શક્યું નથી કે 100 વર્ગ કિલોમીટરનો આ વિસ્તાર ભૂટાને ચીનને આપ્યો છે કે નહીં. તાજેતરમાં જ ચીન અને ભૂટાનની સરહદ વિવાદ ઉકેલવા માટે એક કરાર પણ કર્યો હતો. નોંધનીય છે કે આ મહિનામાં અમેરિકન સંરક્ષણ મંત્રાલયના એક રિપોર્ટમાં મોટો ખુલાસો થયો હતો કે ભારત નજીકના વિવાદીત વિસ્તારોમાં ચીન પોતાનું ગામ વસાવી રહ્યું છે. પેન્ટાગોનના રિપોર્ટમાં અરુણાચલ પ્રદેશ પાસેના વિવાદીત વિસ્તારોમાં 100 ઘરના ગામનો ઉલ્લેખ ખાસ કરવામાં આવ્યો છે.


 


તાજેતરમાં જ ભારતીય સૈન્યના પૂર્વી કમાનના કમાન્ડિંગ ઇન ચીફ લેફ્ટિનન્ટ જનરલ મનોજ પાંડેએ ચીનના આ ગામને લઇને ચિંતા વ્યક્ત કરી હતી.