નવી દિલ્હીઃ કોરોના વાયરસને લઈને ચીન અને અમેરિકા વચ્ચે તણાવની સ્થિતિ છે. ચીનની સરકારે અમેરિકા પર આરોપ લગાવ્યો છે કે તેના કારણે વુહાનમાં કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે. ચીનના એક સરકારી અધિકારીએ કહ્યું કે, અમેરિકન સેનાએ વુહાનમાં કોરોના વાયરસ ફેલાવ્યો હતો. ત્યાર બાદથી જ તે સમગ્ર વિશ્વમાં ફેલાયો છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્વક્તા ઝાઓ લિજિઆને ટ્વીટ કરીને કહ્યું કે, વુહાનમાં કોરોના વાયરસ ફેલાવવા માટે અમેરિકન સેના જવાબદાર છે. અમેરિકાએ આ મામલે પોતાની જવાબદારી નક્કી કરવી જોઈએ. તેને પારદર્શિતા બતાવવી જોઈએ.

ઝાઓ લિજિઆને ચીનનો બચાવ કરતાં કહ્યું કે, યૂએસ સેન્ટર ફોર ડિઝીસ કન્ટ્રોલ (સીડીસી)ડાયરેક્ટર રોબર્ટ રેડફીલ્ડે પણ કહ્યું હતું કે અમારા કેટલાક અમેરિકન વાયરસને કારણે માર્યા ગયા છે. આ લોકો ચીનના કોરોના વાયરસથી સંક્રમિત થયા હશે. તેના માટે ચીન જવાબદાર છે.

રેડફીલ્ડની ટિપ્પણીઓને ટાંકીને વિદેશ મંત્રાલયના પ્રવક્તાઓ પૈકી એક જાઓ લિજિઆને આરોપ લગાવ્યો કે સંભવત: અમેરિકાની સેના જ કોવિડ-19 (COVID 19)ને વુહાન લઈને આવી છે. ચીનમાં આ વાયરસના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત હુબેઈ પ્રાંતનું વુહાન શહેર છે. જોકે, તેઓએ અમેરિકાની સેના વિરુદ્ઘ પોતાના આરોપો પર વિસ્તારથી કંઈ કહ્યું નથી.

ચીનમાં ભલે કોરોના વાયરસ સંક્રમણના મામલાઓમાં ઝડપથી ઘટાડો નોંધાઈ રહ્યો છે પરંતુ કોવિડ-19ના મામલાઓમાં ઉછાળો જોવા મળ્યો છે. આ દરમિયાન, વિશ્વભરના દેશોએ આ સંક્રમણને અન્ય દેશોથી આવવાથી રોકવાની કવાયત હેઠળ આકરા પ્રવાસ પ્રતિબંધો લાદી દીધા છે. જેનું પરિણામ વૈશ્વિકરણના આ સમયમાં વેપારને ભોગવવું પડી રહ્યું છે. આ વાયરસના કારણે દુનિયાભરના લગભગ 115 દેશો અને ક્ષેત્રોમાં 4,600થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે અને 1,25,393થી વધુ લોકો તેનાથી સંક્રમિત છે.