ન્યૂયોર્કઃ એક રિયલ સ્ટેટ કંપનીએ પોતાના સ્ટાફને લગભગ 35-35 લાખ રૂપિયા બોનસ આપ્યું છે. કંપનીએ પોતાના તમામ 198 સ્ટાફને બોનસ આપવામાં 71 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. બોનસનો ચેક લીધા બાદ સ્ટાફના અનેક લોકોની આંખમાં ખુશીના આંસૂ આવી ગયા હતા. અમેરિકાના બાલ્ટીમોરની સેન્ટ જોન પ્રોપર્ટીઝ નામની કંપનીએ એક હોલિડે પાર્ટીના અવસર પર બોનસની જાહેરાત કરી હતી. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર, સ્ટાફને તેમના કાર્યકાળના હિસાબે બોનસની રકમ મળશે પરંતુ મોટાભાગના સ્ટાફને 35 લાખ રૂપિયા મળશે.

કંપનીના કહેવા પ્રમાણે તે સ્ટાફને વધારાના રૂપિયા આપવામાં એટલા માટે સફળ રહી કારણ કે કંપનીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. અમેરિકાના આઠ રાજ્યોમાં કંપનીએ ઓફિસ, રિટેલ સ્ટોર અને ગોડાઉન માટે બે કરોડ સ્ક્વેયર ફિટનું મકાન તૈયાર કર્યા છે.

કંપની તરફથી જાહેર કરાયેલા એક વીડિયોમાં એકાઉન્ટ્સ સ્પેશ્યાલિસ્ટ ડેનિએલ વેલેન્ઝિયાએ કહ્યું કે, આ જિંદગી બદલનારી ચીજ છે. તે 19 વર્ષોથી કંપની સાથે કામ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ હોલિડે બોનસ કંપની તરફથી વાર્ષિક આપનારા બોનસથી બિલકુલ અલગ છે. બોનસની જાહેરાત કરતા કંપનીના ફાઉન્ડર અને ચેરમેન એડવર્ડ સેન્ટ જોને કહ્યું કે, હું તેને સેલિબ્રેટ કરવા માંગતો હતો અને જે લોકોએ આ કામ કર્યું તેમના માટે હું કાંઇક સાર્થક કરવા માંગતો હતો.