લંડન: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લંડનમાં વડાપ્રધાનના પદના ઉમેદવારીને લઈને મોટું નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ કોઈ વિશેષ પદ માટે નથી વિચારી રહ્યા પરતું તે દેશને બચાવવાનું વિચારી રહ્યા છે. રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ અત્યારે વડાપ્રધાન પદની રેસમાં નથી.
જ્યારે ભાજપે પણ રાહુલ ગાંધીના નિવેદનને લઈને વિપક્ષી મહાગઠબંધન પર પ્રહાર કર્યા. ભાજપ નેતા જગદંબિકા પાલે કહ્યું કે વિપક્ષ પાસે પીએમ મોદી સામે કોઈ ચહેરોજ નથી. ત્યાં કૉંગ્રેસ નેતા આલોક શર્માએ કહ્યું કે અમે હંમેશા ચૂંટણી બાદ ચહેરો આપ્યો છે, પછી તે 2004 હોય કે 2009. ઉલ્લેખનીય છે કે આ પહેલા રાહુલ ગાંધીએ કર્ણાટક ચૂંટણી દરમિયાન એક પ્રેસ કૉન્ફ્રેન્સમાં કહ્યું હતું કે કૉંગ્રેસને બહુમત મળશે તો તેઓ વડાપ્રધાન બનશે.
વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવારીને લઈને રાહુલ ગાંધીએ કહ્યું મારી લડાઈ વિચારધારા સામે છે. તેમણે કહ્યું, હું અત્યારે તેના વિશે નથી વિચારી રહ્યો. હું પોતાને એક વૈચારિક લડાઈ લડનાર તરીકે જોઉં છું. મારામાં આ બદલાવ 2014 બાદ આવ્યો છે. મને લાગ્યું કે ભારતમાં આવી ઘટનાઓ બની રહી છે, જેનાથી ભારત અને ભારતીયતાને ખતરો છે.