નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં નિયનંત્રણ રેખા પર (એલઓસી) 24 કલાક એકબીજા વિરુદ્ધ તૈનાત રહેતા ભારત અને પાકિસ્તાનના સૈનિકો પહેલીવાર એકસાથે સૈન્ય અભ્યાસ કરવા માટે તૈયાર છે. આ સૈન્ય અભ્યાસ શાંતિ મિશન 2018ના બેનર હેઠળ શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન(એસસીઓ) દ્વારા થશે. શુક્રવારે રશિયાના ચેલ્યાબિન્સ્ક વિસ્તારના ચેબ્રાકુલમાં શરુ થયેલા આ યુદ્ધાભ્યાસમાં ભારત પાકિસ્તાન સિવાય ચીન અને રશિયા પણ ભાગ લઈ રહ્યા છે.

સેના પ્રવક્તા કર્નલ અમન આનંદે કહ્યું કે, આ પ્રશિક્ષણ દરમિયાન સેના વચ્ચે વ્યસાયીક વાતચીત, ઓપરેશન્સમાં પરસ્પર સમજદારી અને પ્રક્રિયા, જોઈન્ટ કમાન્ડની સ્થાપના અને કંટ્રોલ સ્ટ્રક્ચર્સ અને આતંકી ખતરા સામે લડવાથી લઈને મોક ડ્રિલ જેવા અભ્યાસ કરવામાં આવશે. આ યુદ્ધાભ્યાસથી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં સામેલ દેશોને આતંકરોધી ઓપરેશનો માટે ટ્રેનિંગ મળશે.

શાંઘાઈ કો-ઓપરેશન આર્ગેનાઈઝેશનના આ સંયુક્ત સૈન્ય અભ્યાસમાં રશિયા 1,700 સૈનિક, ચીનના 700 અને ભારતના 200 સૈનિકોને ઉતાર્યા છે. ભારત તરફથી રાજપૂત રેજીમેન્ટ અને એરફોર્સના જવાનોએ પણ ભાગ લીધો.

શાંઘાઈ સહયોગ સંગઠની સ્થાપના 2001માં થઈ હતી. ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, તાઝિકિસ્તાન, ઉઝ્બેકિસ્તાન, ભારત અને પાકિસ્તાન તેના સભ્ય છે. આ સંગઠનને નાટોના કાઉન્ટર કરનારાની દ્રષ્ટીએ જોવામાં આવે છે. આ અભ્યાસથી સદસ્ય દેશો વચ્ચે સુરક્ષા સહયોગ વધે છે.