વોશિંગ્ટનઃ અમેરિકામાં નવેમ્બરમા યોજાનારી ચૂંટણી પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકન બાયોટેક ફર્મ મોર્ડનાએ કહ્યું તેમની રસી 25 નવેમ્બર પહેલા નહીં આવી શકે. કંપનીના સીઈઓએ ફાયનાન્સિયલ ટાઇમ્સને જણાવ્યું કે, તેઓ 25 નવેમ્બર પહેલા કોરોના રસીના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી માટે અરજી નહીં કરે.

સીઈઓ સ્ટેફાન બૈંસેલે કહ્યું કે, ઇમરજન્સી યૂઝ ઓથોરાઇઝેશન અંતર્ગત રજૂ કરવા માટે 25 નવેમ્બર સુધી અમારી પાસે જરૂરિયાતના હિસાબે ડેટા ઉપલબ્ધ હશે. જે અમે એફડીએને મોકલીશું. જો સેફટી ડેટા સારો હશે તો વેક્સીન ઉપયોગ માટે સુરક્ષિત હશે.

અમેરિકામાં કોવિડ-19ની સ્થિતિને લઈ ટ્રમ્પની ઘણી આલોચના થઈ રહી છે અને તેના સમર્થનમાં પણ ઘટાડો થયો છે. ચૂંટણીમાં પહેલા કેમ્પેનમાં તેઓ વેક્સીનનો ડોઝ આપવા માંગે છે અને વારંવાર ચૂંટણી પહેલા વેક્સીન આવી જશે તેમ કહેતા રહે છે પરંતુ કંપનીએ નવેમ્બર પહેલા વેક્સીનની આવવાની કોઈ શક્યતા નહીં હોવાનું કહી ટ્રમ્પના અરમાનો પણ પાણી ફેરવી દીધું છે.



અમેરિકામાં કોરોના વાયરસના 72 લાખથી વધારે કેસ નોંધાયા છે અને બે લાખથી વધારે લોકોને કોરોના ભરખી ગયો છે. ટ્રમ્પ કોરોના વાયરસને લઈ વારંવાર ચીનને દોષી ગણાવતાં રહ્યા છે. જ્યાં ગત વર્ષે ડિસેમ્બરમાં કોવિડ-19નો મામલો પ્રથમ વખત સામે આવ્યા બાદ તે વિશ્વભરમાં ફેલાયો હતો. તેનાથી 10 લાખથી વધારે લોકોના મોત થયા છે અને ત્રણ કરોડ કરતાં વધુ સંક્રમિત થયા છે.