કોરોના વાયરસ: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પ્રથમ વખત વુહાન પહોંચ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Mar 2020 09:16 PM (IST)
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કોરોના વાયરસ ફેલાયા બાદ પ્રથમ વખત વુહાન શહેર પહોંચ્યા હતા.
વુહાન: ચીનના વુહાનમાંથી શરૂ થયેલો કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો છે. કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક વધીને 4 હજારને પાર પહોંચ્યો છે. આ વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા 1 લાખ 10 હજારને પાર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં ચીનમાં જ 17 લોકોના મોત થયા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કોરોના વાયરસ ફેલાયા બાદ પ્રથમ વખત વુહાન શહેર પહોંચ્યા હતા. શી જિનપિંગના વુહાન પ્રવાસની અગાઉ જાહેરાત કરાઇ ન હતી. આ દરમિયાન જિનપિંગે તબીબો, મેડીકલ સ્ટાફ, સૈન્ય અધિકારી, સામુદાયિક કર્મચારી, પોલીસ, દર્દી અને નાગરીકોની સાથે મુલાકાત કરી હતી. શી જિનપિંગે મુલાકાત દરમિયાન જણાવ્યું કે કોરોના વાયરસ પર તેના કેંદ્ર વુહાનમાં કાબુ મેળવી લેવાયો છે. સૌ પ્રથમ વુહાનમાં જ કોરોના વાયરસનો કેસ સામે આવ્યો હતો. ત્યારબાદ તે દુનિયાના અન્ય દેશો સુધી ફેલાયો હતો. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના વિશેષ સચિવ સંજીવ કુમારે મંગળવારે કહ્યું કે ભારતમાં કોરોના વાયરસના મામલાની કુલ સંખ્યા 50 થઈ છે. જેમાંથી 34 લોકો ભારતીય છે અને 15 વિદેશી છે, જે ઈટલીના નાગરિક છે. તેમણે કહ્યું કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં કોઈ મૃત્યું નથી થયું.