નવી દિલ્હી: ચીનમાં કોરોના વાઈરસનો કહેર યથાવત છે. કોરોના વાયરસના કારણે ચીનમાં અત્યાર સુધીમાં એક હજારથી વધુ લોકોના મોત થયા છે.  જ્યારે 42 હજારથી વધારે કેસની પુષ્ટિ કરવામાં આવી છે. ચીનના આરોગ્ય અધિકારીઓએ મંગળવારે કહ્યું હતું કે એક દિવસ અગાઉ 108 લોકોના મોત થયા છે.

ચીનના રાષ્ટ્રીય આરોગ્ય પંચે જણાવ્યું હતું કે કોરોના વાઈરસથી સંક્રમિત 3996 યુવાનોને ગત સોમવારે હોસ્પિટલમાંથી રજા મળી હતી. કોરોના વાઈરસને લીધે મહામારીના ફેલાવા બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સોમવારે પ્રથમ વખત પ્રજા સામે આવ્યા હતા. જિનપિંગે વાઈરસ ફેલાતો અટકાવવા માટે બૈજીંગમાં કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે એક સ્થાનિક હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે વુહાનના મેડિકલ સ્ટાફ સાથે વિડિયોથી વાતચીત કરી હતી.

હુવેઇ અને વુહાન પ્રાંતમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે, જ્યારે ચીનના અન્ય ભાગોમાં ચેપના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

WHOના તબીબી નિષ્ણાતોની એક ટીમ સોમવારે કોરોના વાઈરસ સંક્રમણની તપાસમાં મદદ માટે ચીન પહોંચી ગઈ છે.  ચીનના નેશનલ હેલ્થ કમિશનના અધિકારી મી ફેંગે કહ્યું હતું કે અમે આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની ટીમનું સ્વાગત કરી છીએ. ચીન અને WHOની ટીમ કોરોના વાઈરસના ઈલાજને લઈ વ્યાપક ચર્ચા કરશે અને આ મહામારીના ફેલાવાને અટકાવવા માટે યોગ્ય પગલા ભરશે.