Corona Spread In China: ચીનમાં વૈશ્વિક મહામારી કોરોનાની સ્થિતિ ફરી એકવાર વિસ્ફોટક બની રહી હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. ચીનમાં ઝીરો કોવિડ પોલિસી હોવા છતાં કોરોનાથી સંક્રમણ થવાના કેસ સતત વધી રહ્યા છે. ચીનમાં કોવિડના કેસોમાં તાજેતરના ઉછાળા વચ્ચે ચીનના ગ્વાંગઝૂ શહેરમાં ઓછામાં ઓછા 250,000 લોકોને રાખવા માટે વિશાળ ક્વારંટાઈન સેંટર્સ અને કામચલાઉ હોસ્પિટલો બનાવવામાં આવી રહી છે.


ચીનના ગુઆંગઝુ શહેરની કુલ વસ્તી લગભગ 13 મિલિયન છે જ્યાં ઓક્ટોબર મહિનાની શરૂઆતથી જ કોવિડ કેસની સંખ્યા વધવા લાગી છે. ગયા શનિવારે પણ ગુઆંગઝૂમાં એક જ દિવસમાં 7000 થી વધુ કોવિડ કેસ નોંધાયા હતા. ચીનમાં ક્વોરેન્ટાઈન સેન્ટર બનાવવાનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પૂર્વી યુરોપિયન મીડિયાએ ચીનમાં બનેલી આવી જ એક ક્વોરેન્ટાઈન સાઈટનો વીડિયો પણ શેર કર્યો છે, જેમાં લગભગ 80,000 લોકો માટે ક્વોરેન્ટાઈન સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે.


હંગામી હોસ્પિટલ બનાવવાની તૈયારી


ચીનના ગુઆંગઝૂ શહેરમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી ત્યાં 24,6407 પથારીની અસ્થાયી હોસ્પિટલ પણ બનાવવામાં આવી રહી છે. ચીનની રાજધાની બેઇજિંગ અને અન્ય શહેરોમાં કોરોના ઈન્ફેક્શનના પ્રકોપને નાથવા ચીનની સરકાર અને નાગરિકો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. ચીનના ચોંગકિંગ અને ગુઆંગઝૂમાં કોરોનાના કેસેએ સરકારની ઊંઘ હરામ કરી નાખી છે.






ચીનની અર્થવ્યવસ્થા પર અસર


તાજેતરમાં જ અધિકારીઓએ વારંવાર આગ્રહ કર્યો છે કે ચીને તેની કડક 'ઝીરો-કોવિડ' નીતિને વળગી રહેવું જોઈએ, જેમાં વાયરસના સંપર્કમાં આવવાના શંકાસ્પદ વ્યક્તિ લોકડાઉન, સામૂહિક પરીક્ષણ અને ક્વારંટાઈનને અનિવાર્ય બનાવવામાં આવ્યું છે. આ નીતિની દેશની અર્થવ્યવસ્થા પર ગંભીર અસર થઈ રહી છે અને ચીનના ઘણા શહેરોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ચીનના ઘણા પ્રાંતોમાં હવે સ્થિતિ લોકડાઉન જેવી થઈ ગઈ છે. ચીને તાજેતરમાં સ્થાનિક લોકડાઉન, સામૂહિક ટેસ્ટિંગ, મુસાફરી પર પ્રતિબંધો સહિતના અનેક નિયંત્રણો લાગુ કર્યા છે.


દરમિયાન આજે ચીનમાં કોવિડ-19ના 38645 નવા કેસ નોંધાયા છે. તેના એક દિવસ પહેલા ચીનમાં કોરોના સંક્રમણના 40,347 કેસ નોંધાયા હતા. ચીનની રાજધાની બેઇજિંગ, ચોંગકિંગ સહિત ઘણા મોટા શહેરોમાં કોરોના વાયરસનો પ્રકોપ યથાવત છે.