બીજિંગ: વિશ્વભરના દેશમાં કહેર વર્તાવનાર કોરોના વાયરસનું કેન્દ્ર રહેલા ચીનના વુહાનમાં હાલમાં કોઈ સંક્રમિત દર્દી નથી. લગભગ એક કરોડ લોકોના ટેસ્ટિંગ બાદ વુહાન હવે સંપૂર્ણ રીતે કોરોના મુક્ત થઈ ગયું છે. અહીં સંક્રમિત છેલ્લા ત્રણ દર્દીઓને પણ હોસ્પિટલમાંની રજા આપી દેવાઈ છે.


ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે જણાવ્યું કે, બહારથી આવેલા પાંચ લોકોમાં સંક્રમણના કેસ સામે આવ્યા છે. તેમાંથી ચાર શાંઘાઈથી છે અને એક સિચુઆન પ્રાંતથી છે. ગુરુવારે સંક્રમણના લક્ષણ ના હોય તેવા ત્રણ કેસ સામે આવ્યા હતા, જેના બાદ આ પ્રકારના સંક્રમણની સંખ્યા 297 થઈ ગઈ છે. આ તમામ સારવાર હેઠળ છે.

ચીનમાં હવે માત્ર 66 કોરોનાના દર્દી

ચીનમાં અત્યાર સુધી કુલ 83,027 લોકો કોરોની સંક્રમિત થયા હતા. તેમાંથી હાલ માત્ર 66 દર્દીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 78,327 લોકો સારવાર બાદ સ્વસ્થ થઈ ગયા છે. જ્યારે 4634 લોકોના મોત થઈ ચૂક્યા છે. જો કે, બુધવારે આવેલા આંકડા અનુસાર હજુ પણ 245 લોકો એવા છે જે સંક્રમિત છે પરંતુ તેમનામાં સંક્રમણના લક્ષણ દેખાયા નથી.

વુહાનમાં 99 લાખ લોકોનું કોરોના ટેસ્ટ

વુહાન શહેરમાં 14 મેથી લગભગ 99 લાખ લોકોના ન્યુક્લિક એસિડ ટેસ્ટ કરવામાં આવ્યા. લક્ષણવગરના સંક્રમિતોનો દર માત્ર 10 હજારમાંથી 0.303 છે. તે સિવાય મોટા પ્રમાણમાં કરવામાં આવેલા ટેસ્ટના પરિણામથી જાહેર છે કે, વુહાનમાં લક્ષણ વગરના લોકોનો રેસિયો ઓછો છે અને એવા લોકોથી અન્ય લોકો સંક્રમિત હોવાના કેસ સામે આવ્યા નથી.

મધ્ય ચીન વિજ્ઞાન તથા ટેકનીક યુનિવર્સિટીના સાર્વજનિક સ્વાસ્થ્ય કોલેજના પ્રોફેસર લૂ ચુશુને જણાવ્યું કે, 14 મે થી 1 જૂનની રાતે 12 વાગ્યે સુધી વુહાનમાં 98,99,828 લોકોની કોવિડ-19 તપાસ કરવામાં આવી. જેમાં કોઈ કન્ફ્રર્મ કેસ નથી મળ્યો અને લક્ષણ વગરના સંક્રમિતોની સંખ્યા 300 છે તથા તેમના સંપર્કમાં આવનાર 1174 લોકોની ઓળખ થઈ છે. જેમનું ન્યૂક્લિક એસિડ તપાસનું પરિણામ નેગેટિવ છે.