નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યા આજે વધીને 1564 પર પહોંચી છે. સૌથી વધુ 302 કેસ મહારાષ્ટ્રથી સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં આજે 64 નવા કેસની પુષ્ટી થઈ છે. કેરળમાં આજે 7 નવા કેસ સામે આવ્યા છે. કેરળમાં દર્દીઓની સંખ્યા 241 પર પહોંચી છે.


ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 74 થઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે.

તમિલનાડુમાં મંગળવારે વધુ સાત લોકોને કોરોના વાયરસ સંક્રમિત હોવાની પુષ્ટી થઈ છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 74 લોકો વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટી થઈ છે. સરકારનું કહેવું છે કે સંક્રમિત જોવા મળેલા લોકોમાં કેટલાક એવા પણ છે જે દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત મરકજના ધાર્મિક આયોજનમાં સામેલ થયા હતા.

હરિયાણામાં હિંસાર, સિરસા અને ફરીદાબાદમાં નવા કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા મંગળવારે વધીને 25 થઈ છે. અધિકારીઓએ આ જાણકારી આપી હતી. આ આંકડામાં ઈટલીના એ 14 મુસાફરોને સામેલ નથી કરવામાં આવ્યા જેમને કોરોના વાયરસ સંક્રમિત જોવા મળ્યા બાદ ગુરૂગ્રામાં એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સરકારે ગઈકાલે જ સ્પષ્ટતા કરી હતી કે દેશમાં હાલમાં 21 દિવસનું લોકડાઉન છે જેને આગળ વધારવાની કોઈ યોજના નથી. આ પહેલા અટકળો લગાવવામાં આવી રહી હતી કે દેશમાં 90 દિવસ સુધી લોકડાઉન રહેશે.

કોરોના વાયરસ વિરૂદ્ધ લડાઈને વધારે આગળ વધાતારતા એઈમ્સએ પોતાના ટ્રોમા સેન્ટરની બિલ્ડિંગને કોવિડ-19ની હોસ્પિટલમાં ફેરવવાનો નિર્ણય કર્યો છે.