નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ભારતમાં કોરોનાના 1400થી વધુ દર્દીઓ છે, જ્યારે વિશ્વમાં આંકડો 8 લાખને પાર કરી ગયો છે. કોરોનાના કારણે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં Lockdown કરવામાં આવ્યું છે.


સંયુક્ત રાષ્ટ્રના તાજા રિપોર્ટ પ્રમાણે કોરોના વાયરસ મહામારીથી વૈશ્વિક અર્થવ્યવસ્થા ચાલુ વર્ષે મંદીમાં ધકેલાઈ જશે, પરંતુ ભારત અને ચીન તેમાં અપવાદ હોઈ શકે છે. એટલે કે ભારત અને ચીન પર તેની અસર થવાની શક્યતા નહીંવત છે.

આગામી બે વર્ષમાં નિકાસ કરનારા દેશોમાં વિદેશી રોકાણ રૂ. 150-225 લાખ કરોડ જેટલું ઘટી શકે છે. તાજેતરના સમયમાં વિકસિત અર્થવ્યવસ્થાવાળા દેશોએ મોટા પેકેજીસની જાહેરાત કરી છે. જી20 મુજબ આ દેશો આગામી દિવસોમાં અર્થવ્યવસ્થા માટે ટેકો વધારીને રૂ. 375 લાખ કરોડ કરશે.

વર્લ્ડ બેંકે કોરોના વાયરસને કારણે ચેતવણી આપી છે કેઆ વર્ષ પૂર્વી એશિયા અને એશિયા પેસિફિકમાં આશરે 3.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવશે તેવો અંદાજ હતોજેમાંથી 2.5 કરોડ એકલા ચીનનાં હશે. પરંતુહવે એક એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે જો આર્થિક સ્થિતિ વધુ વણસે તો ગરીબોની સંખ્યામાં 1.1 કરોડનો વધારો થશે.

રિપોર્ટ પ્રમાણે આ દરમિયાન અબજો ડોલરનું નુકસાન થશે અને વિકાસશીલ દેશો સામે એક મોટું સંકટ ઉભુ થશે. કોવિડ-19 સંકટના કારણે વિકાસશીલ દેશોમાં રહેતા વિશ્વના બે તૃતીયાંશ લોકોને અભૂતપૂર્વ આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે.