લાહોરઃ ભારતના પડોશી રાષ્ટ્ર પાકિસ્તાનમાં પણ કોરોનાનો કહેર જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં ત્યાં 1800થી વધારે લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે અને 24 લોકોના મોત થયા છે. પાકિસ્તાનના સૌથી મોટા પ્રાંત પંજાબમાં 658 અને સિંધમાં 627 મામલા સામે આવ્યા છે.


પાકિસ્તાનમાં કોરોનો વકરતો અટકે તે માટે ઈમરાન ખાન ભારતની જેમ લોકડાઉનની જાહેરાત કરી શકે તેવા રિપોર્ટને ફગાવતા પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ભારતમાં લોકડાઉન માટે પીએમ મોદીએ માફી માંગવી પડી છે. પરંતુ પાકિસ્તાનના પોલિટિકલ એક્સપર્ટના જણાવ્યા મુજબ, ઈમરાન ખાન ભલે ના પાડતા હોય પરંતુ લોકડાઉન વગર પાકિસ્તાનને કોરોનાના કહેરથી મુક્તિ નહીં મળે.

ઈમરાન ખાને લોકડાઉનને લઈ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટોણો મારતા કહ્યું હતું કે, મોદીએ તેના ફેંસલા માટે જનતાની માફી માંગવી પડી છે. દેશમાં લોકડાઉનના કારણે લોકો રસ્તા પર આવી ગયા છે. હવે ભારતની સમસ્યા છે કે તેઓ લોકડાઉનને ખતમ કરશે તો વાયરસ ફેલાશે ને જો ચાલુ રાખશે તો લોકો ભૂખ્યા મરી જશે.

આ દરમિયાન પાકિસ્તાનમાં કોરોનાને રોકવા માટે દેશભરમાં સેના તૈનાત કરી દેવામાં આવી છે. પરંતુ કોરોનાને રોકવા માટે જરૂરી સોશિયલ ડિસ્ટેસિંગ ક્યાંય દેખાતું નથી. રાષ્ટ્રપતિની અપીલ બાદ પણ મસ્જિદોમાં ભારે ભીડ જામે છે. ઉપરાંત થોડા દિવસો પહેલા ઈમરાન ખાનના નજીક ગણાતા મૌલાના તારિક જમીલ દ્વારા યોજવામાં આવેલા તબલીગીમાં આશરે અઢી લાખ લોકો સામેલ થયા હતા. જેમાંથી 27 લોકોનના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે.