નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોના વાયરસની ચપેટમાં સાડા ત્રણ લાખથી વધુ લોકો આવી ચૂક્યા છે. જેમાં 16 હજારથી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 1 લાખથી વધારે લોકો સારવાર લઈને સ્વસ્થ થયા છે. જ્યારે 11 હજારથી વધુ લોકોની હાલત ગંભીર છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં મોટોભાગ લોકડાઉન કરવામાં આવ્યો છે. જેના કારણે આશરે 100 કરોડથી વધુ લોકો પોતાના ઘરોમાં કેદ છે. ઈટાલીમાં સોમવારે 601 લોકોના મોત થયા છે. ઈટાલી યુરોપનું સૌથી પ્રભાવિત દેશ છે.


દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસના 76 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ નવ લોકોના મોત થયા છે. દેશમાં આ ખતરનાક વાયરસના કારણે 120 લોકોના મોત થયા છે. સંક્રમિત દર્દીઓની સંખ્યા 9 હજારને પાર પહોંચી છે.

અમેરિકામાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 557 લોકોના મોત થયા છે અને 43847 કેસ પોઝિટિવ છે. ન્યૂયોર્ક શહેરમાં સૌથી વધારે 99 લોકોના મોત થયા છે. બ્રિટનમાં કોરોના વાયરસથી 335 લોકોના મોત થયા છે. બ્રિટનના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં 967 નવા કેસ નોંધાયા છે. અહીં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 6650 થઈ ગઈ છે.

ન્યુઝીલેન્ડમાં છેલ્લા 48 કલાકમાં કોરોના કેસમાં બમણો વધારો થયો છે. ત્યારબાદ સરકારે બુધવારથી લોકડાઉનની તૈયારીઓ શરૂ કરી દીધી છે.