નવી દિલ્હીઃ કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. દુનિયામાં 13000થી વધારે લોકો આ વાયરસમાં જીવ ગુમાવી ચુકયા છે. ભારતમાં પણ સંક્રમિત લોકોની સંખ્યા 500ને પાર કરી ગઈ છે. આ દરમિયાન વિશ્વના ખુબસુરત દેશોમાં સામેલ સ્પેન પણ કોરોના સામે ઝઝૂમી રહ્યો છે. સોમવારે આ બીમારીથી આશરે 462 લોકોના મોત થયા હતા જ્યારે 35000 લોકો  સંક્રમિત થયા છે.

કોરોના વાયરસના સંક્રમણથી સ્પેનની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ છે. મોતના મામલે ચીન, ઈટાલી બાદ સ્પેનનો નંબર આવે છે. 14 માર્ચથી સ્પેનમાં લોકડાઉન છે અને મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. અનેક ઘરોમાં લાશો સડી રહી હોવાથી સેનાની મદદ લેવામાં આવી રહી છે. આ દરમિયાન સેનાને કેયર હોમ્સને વાયરસ મુક્ત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

સ્પેનમાં સેનાને ઘરમાં પડેલી લાવારીશ લાશોની  ભાળ મેળવવાનો આદેશ આપ્યો છે. કેટલાક દિવસોથી લાશ પડેલી છે. પરંતુ કોરોનાના સંક્રમણના ડરથી ઘરમાં રહેલા પરિવારના સભ્યો તેને ઉઠાવવાની હિંમત નથી કરતાં. પરિણામે સ્પેનની સેના હવે આવા ઘરોમાં જઈને લાશો ઉઠાવી રહી છે. ઉપરાંત તેમની હત્યા કરવામાં આવી છે કે નહીં તેની પણ તસાવ કરી રહ્યા છે.

સ્પેનની સેના કેર હોમ્સની તપાસ કરી રહી છે. મેડ્રિડ કેર હોમ્સમાં 17 લોકોના મોત થયા હતા જયારે અલ્કૉયમાં 21 લોકો માર્યા ગયા હતા. સ્પેનના રક્ષામંત્રીના જણાવ્યા મુજબ, સેનાની તપાસ દરમિયાન એવા કટલાય વૃદ્ધ બીમાર લોકો મળી આવ્યા જેઓ જીવતા તો હતો પરંતુ તેમને બેડ પર જ મરવા માટે લાવારિસ છોડી દેવામાં આવ્યા હતા.