બેઈજિંગ: કોરોના વાયરસથી વિશ્વભરના દેશમાં અત્યાર સુધીમાં 14,700થી વધારે લોકોના મોત નિપજ્યાં છે અને ત્રણ લાખ 39 હજારથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાયરસને લઈને ફફડાટ છે. ત્યારે ચીન તરફથી આ વાયરસના સંક્રમણને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. ચીને કહ્યું કે, કોરોના પોઝિટિવ કેસમાંથી 90 ટકા દર્દીઓ સાજા થઈ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.



કોરોના વાયરસની શરૂઆત જ ચીનથી થઈ હતી અને ત્યાં 81 હજારથી વધારે કેસ નોંધાયા હતા. જેમાં 3,227 લોકોના મોત નિપજ્યાં છે. ચીનના નેશનલ હેલ્થ કમીશને કહ્યું હતું કે, કોરોના સંક્રમિત દર્દીઓમાંથી 90 ટકા દર્દીઓ રિકવર થઈ ગયા છે અને તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.



આ નિવેદનમાં જણાવ્યા મુજબ, હાલ ચીનમાં માત્ર 5,120 દર્દીઓ જ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 81,093 દર્દીઓમાંથી 72,703 દર્દીઓ સાજા થઈ ગયા છે. જેમને રજા આપી દેવામાં આવી છે.



હુબઈ કે જ્યાંથી વાયરસની શરૂઆત થઈ હતી ત્યાંથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. ચીનમાં 39 નવા કેસમાંથી તમામ દર્દીઓને વિદેશમાંથી લવાય છે. એટલે કે ચીનમાં એક પણ કેસ નોંધાયો નથી. હુબેઈ અને તેની રાજધાની વુહાનમાં આ વાયરસથી સૌથી જાનહાની થઈ છે. અહીં 67,800 કેસ નોંધાયા છે અને 3,153 લોકો મોતને ભેટ્યા છે.