વિશ્વભરમાં ફરી એક વખત કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે. ફ્રાંસમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેર જોવા મળી રહી છે. ફ્રાંસમાં સમોવારે કોરોનાનો નવો સ્ટ્રેન  સામે આવ્યો હતો. હવે નવેમ્બર 2020 બાદ પ્રથમ વખત સાત દિવસની સરેરાશમાં કોરોનાના કેસ 25 હજારને પાર કરી ગયા છે.


ફ્રાંસના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ મંગળવારે દેશમાં 29,975 નવા કોવિડ-19 કેસ નોંધાયા હતા. આઈસીયુમાં છેલ્લા 24 કલાકમાં 4239 દર્દીની સંખ્યા વધી છે. કોરોના વાયરસથી ફ્રાંસમાં અત્યાર સુધીમાં 91,170 લોકોના મોત થયા છે અને વિશ્વમાં મૃતકોની સંખ્યામાં સાતમા ક્રમે છે.



હોસ્પિટલ પર વધી રહ્યું છે દબાણ


ફ્રાંસમાં કોરોના વાયરસના નવા મામલા સતત સામે આવી રહ્યા છે. નવા કેસ આવવાના કારણે હોસ્પિટલો પર પણ દબાણ વધી રહ્યું છે. કોરોનાના મામલા વધતા ફ્રાંસમાં ફરી લોકડાઉન લાગુ કરવામાં આવી શકે છે.


વિશ્વમાં શું છે કોરોનાની સ્થિતિ


વિશ્વભરમાં આશરે 12 કરોડ 11 લાખ 64 હજારથ વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. અત્યાર સુધીમાં 26 લાખ 79 હજાર 841 લોકોના કોરોનાથી મોત થયા છે. હાલ 2 કરોડ 8 લાખ 22 હજારથી વધારે એક્ટિવ કેસ છે. જ્યારે 9 કરોડ 76 લાખ 61 હજાર 975 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ ઘાતક થઇ રહ્યો છે. મંગળવારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 24 હજાર 492 નવા કેસો નોંધાતા દેશમાં હાહાકાર મચી ગયો હતો. આ મહામારીથી મંગળવારે 131 લોકોના મોત થયા હતા. વળી દેશની વાત કરીએ તો અત્યાર સુધી દેશમાં 3 કરોડ 29 લાખ લોકોથી વધુ લોકોને વેક્સિનના ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે, છતાં કોરોના વકરી રહ્યો છે. ખાસ વાત છે કે દેશના પાંચ રાજ્યોમાં ફરી એકવાર કોરોના વાયરસે ઉથલો માર્યો છે, જેમાં ગુજરાત પણ સામેલ છે.


ગુજરાત સહિત આ પાંચ રાજ્યોમાં 78 ટકાથી વધુ નવા કેસો....


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી છે કે, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તામિલનાડુમાં કોરોનાએ ફરી એકવાર ઉથલો માર્યો છે. આ રાજ્યોમાં નવા કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, અને 78.41 ટકા નવા કેસો આ પાંચ રાજ્યોમાંથી સામે આવ્યા છે. ભારતમાં કુલ 77 ટકા એક્ટિવ દર્દીઓ મહારાષ્ટ્ર, કેરાલા અને પંજાબના છે. ઠીક થયેલા દર્દીઓમાંથી 84.10 ટકા છ રાજ્યોમાંથી છે.