ઇસ્લામાબાદઃ આર્થિક તંગી સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનને કોરોનાએ મોટો ફટકો આપ્યો છે, પાકિસ્તાનમાં હાલ કોરોનાએ કેર વર્તાવ્યો છે અને સરકાર પાસે બજેટ નથી. આવા સમયે આંતરરાષ્ટ્રીય મૉનિટરી ફંડે પાકિસ્તાનને મોટી મદદ કરી છે. આઇએમએફે પાકિસ્તાનને ઇમર્જન્સી ફંડ આપ્યુ છે.

પાકિસ્તાનને IMFએ કોરોના સામેની લડાઇ લડવા માટે 1.39 અબજ ડૉલરનું રાહત પેકેજ આપ્યુ છે. પાકિસ્તાને ચૂકવણાના સંકટથી પાર પડવા માટે 6 અબજ ડૉલરના રાહત પેકેજને લઇને ગયા વર્ષે જુલાઇમાં IMFની સાથે કરાર કર્યો હતો.

પાકિસ્તાનની કેન્દ્રીય બેન્ક સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાન (એસબીપી)એ ટ્વીટર પર લખ્યુ- એસબીપીને તાત્કાલિક નાણાંકીય સહાય (આરએફઆઇ) વ્યવસ્થા અંતર્ગત IMF પાસેથી 1.39 અબજ ડૉલર મળ્યા છે.



પાકિસ્તાને માર્ચમાં વૈશ્વિક બહુપક્ષીય નિકાયથી કોરોના વાયરસ મહામારીના આર્થિક પ્રભાવ સામે ટકવા માટે આરએફઆઇ અંતર્ગત સસ્તુ અને તાત્કાલિક લૉન આપવાની જાહેરાત કરી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર 1.39 અબજ ડૉલરના દેવાથી પાકિસ્તાનની વિદેશી મુદ્રા ભંડાર 12 અબજ ડૉલર થઇ ગયો છે, જે એક મહિનાનુ ઉચ્ચત્તમ સ્તર છે.