નવી દિલ્હી: કોરોના વાયરસે વિશ્વભરના દેશોમાં કાળો કહેર વર્તાવ્યો છે. ત્યારે કોરોનાની મહામારી સામે લડવા બ્રિટને વાયરસની વેક્સીનનું હ્યૂમન ટ્રાયલ(માનવ પરીક્ષણ) શરૂ કરી દીધું છે.


ઑક્સફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જે વેક્સીન તૈયાર કરી રહ્યાં છે, તેમાં સફળતાની 80 ટકા સંભાવના છે. એવામાં જો આ વેક્સીન બનાવવામાં સફળતા મળશે તો તે માત્ર બ્રિટન માટે જ નહી પરંતુ કોરોના વાયરસ સામે લડી રહેલી સમગ્ર દુનિયા માટે મોટા રાહતના સમાચાર હશે.

બ્રિટનના હેલ્થ સેક્રેટરી મેટ હેનકૉકે કહ્યું કે, ઑક્સફૉર્ડ અને ઈમ્પીરિયલ કૉલેજ ઑફ લંડનમાં થઈ રહેલા આ પરીક્ષણ માટે, બન્નેને ઓછામાં ઓછા 20 મિલિયન યૂરો ( 164 કરોડ રૂપિયાથી વધુ) આપવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે વૉલિંટિયર્સને આ પરીક્ષણમાં ભાગ લેવા માટે તત્કાલ એક અપીલ પણ કરવામાં આવી છે. જે પણ તેમાં ભાગ લેશે તેને 625 યૂરો ( લગભગ 51,254 રૂપિયા) આપવામાં આવશે. જે લોકો તેમાં ભાગ લેશે તેમનું સ્વાસ્થ્ય સારુ હોવું જરૂરી છે અને તેમની ઉંમર 18થી 55 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

પ્રોફેસર ગિલબર્ટે કહ્યું, “અમે જે વૉલિંટિયર્સમાં વેક્સીનનો ઉપયોગ કર્યો છે, તેમાં વાયરસ ટ્રાન્સમિશન ખૂબજ ઓછું રહ્યું છે. આપણે બસ તેના પરિણામના કેટલાક સમય સુધી રાહ જોવી પડશે. ”

ઑક્સફોર્ડે વેક્સીનનું નામ ChAdOx1 nCoV-19 રાખ્યું છે. આ વેક્સીન બનાવવા માટે યૂકેની ત્રણ કંપનીઓ સાથે ડીલ નક્કી કરવામાં આવી છે. તે સિવાય અનેક બહારની કંપનીઓ સાથે પણ તેને બનાવવા માટે ડીલ કરવામાં આવી છે.