ઈન્ડોનિશયામાં ભૂત કે પ્રેતાત્માના અસ્તિત્વને લઈ અંધવિશ્વાસ છે. વૈજ્ઞાનિક માન્યતાઓથી ઊલટું અહીંનો એક મોટો વર્ગ તેમાં વિશ્વાસ કરે છે. જયારે લોકોએ ઘરમાં રહેવાની અપીલ ન માની ત્યારે પોલીસે અંધવિશ્વાસનો હથિયારની જેમ ઉપયોગ કર્યો અને સફળ પણ રહ્યો.
જાવા દ્વીપના ગામડાઓમાં રાતે સફેદ કપડાં પહેરીને કેટલાક યુવા અને પોલીસકર્મી ભૂતની જેમ નજરે પડે છે. આ લોકોની એક ટીમ બનાવવામાં આવી છે. ટીમના એક સભ્યએ જણાવ્યું કે, અમે કઈંક અલગ રીતે ગામલોકોને કોરોનાવાયરસથી બચાવવા માંગતા હતા. ગામલોકો ઘરની બહાર ન નીકળે તેવું કરવા ઈચ્છા હતા. તેથી અમે પોકાંગ બનીને લોકોને કારણ વગર ઘરની બહાર નીકળતા રોકી રહ્યા છીએ.
પોકાંગને ઈન્ડોનેશિયામાં ભૂત તરીકે જોવામાં આવે છે. કાલ્પનિક સ્ટોરીની જેમ તેનો ચહેરો એકદમ સફેદ હોય છે. તેઓ સફેદ કપડામાં લપેટાયેલા હોય છે. ઈન્ડોનેશિયાની લોકકથામાં પોકાંગ મૃતકોની આત્મા છે. જે શરીરથી બહાર નીકળી શકતી નથી. ઓફિસરોના જણાવ્યા મુજબ, ગ્રામીણ કોવિડ-19ના ખતરાથી અજાણ છે. તેઓ પહેલાની જેમ જ રહેવા માંગતા હતા. તેથી તેમને ઘરમાં રાખવા માટે જે રીતે સમજતા હતા તે અપનાવી અને સફળ પણ રહી છે.
ઈન્ડોનેશિયામાં જ્યારે પ્રથમ વખત પોલીસે ભૂત બનીને સામે આવી તો તેની અવળી અસર થઈ હતી. ભૂતોના વિચાર લોકોને ઘરની અંદર રાખવાનો હતો પરંતુ લોકો તેને જોવા બહાર આવવા લાગ્યા હતા. જે બાદ રણનીતિ બદલવામાં આવી. લોકોને ડરાવવામાં આવ્યા અને આ પછી ઘરમાં જ રહેવા લાગ્યા.
એશિયામાં ચીન બાદ ઈન્ડોનેશિયામાં મૃત્યુદર સૌથી વધારે છે. અહીં 4557 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 399 લોકોના મોત થયા છે.