વોશિંગ્ટનઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. સમગ્ર વિશ્વમાં 18 લાખથી વધારે લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. આ મુશ્કેલ સમયમાં વિશ્વના દેશો તેમના નાગરિકોને સ્વદેશ લાવવામાં લાગ્યું ચે. ભારતે ચીન અને ઈરાનમાં ફસાયેલા તેમના લોકોને સ્વદેશ લાવ્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયાએ 444 નાગરિકોને ભારતથી તેમના વતન લઈ ગયું હતું. કોવિડ-19થી અમેરિકા સૌથી વધારે પ્રભાવિત થયું છે અને ત્યાં મોટી સંખ્યામાં લોકો કોરોના વાયરસથી સંક્રમિત મળ્યા છે.


ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે અમેરિકન અધિકારીએ જણાવ્યું કે, અમેરિકા વિદેશ વિભાગ ભારતમાં ફસાયેલા તેમના નાગરિકોને સલામત રીતે બહાર કાઢવા વિશેષ વિમાન મોકલી રહ્યું છે. તેમ છતાં અનેક અમેરિકન નાગરિકોએ ભારતમાં જ રહેવાનું પસંદ કર્યુ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે વિશ્વના વિવિધ દેશોમાં આશરે 50,000થી વધારે નાગરિકો સ્વદેશ લાવવામાં આવ્યા છે.

અમેરિકાના વિદેશ વિભાગના અધિકારી ઈયાન બ્રાઉનલીએ ગત સપ્તાહે વોશિંગ્ટન ડીસીમાં પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે, અમેરિકન નાગરિકો ભારતમાં જ રહેવા માંગે છે. અમારા સ્ટાફે ભારતમાં 800 અમેરિકન નાગરિકોને પૂછ્યું કે શું તેઓ પરત ફરવા માંગે છે? જેના જવાબમાં માત્ર 10 લોકોએ જ હામાં જવાબ આપ્યો હતો. જેનાથી સ્પષ્ટ છે કે અમેરિકા પરત ફરવા અંગે ના પાડી રહ્યા છે. બ્રાઉનલીએ કહ્યું કે, ભારતમાં હાલ 24,000 અમેરિકન નાગરિકો છે અને તેમને ટ્રેક કરવામાં આવી રહ્યા છે.

આ દરમિયાન કોવિડ-19 પર બનેલી ટીમના પ્રભારી અને ભારતીય વિદેશ મંત્રાલયના સચિવ દામૂ રવિએ પત્રકારોને જણાવ્યું કે, મંત્રાલયે અત્યાર સુધીમાં 20,473 વિદેશી નાગરિકોને તેમના દેશમાં મોકલવાની વ્યવસ્થા કરી છે. બ્રિટને કોલકાતા, અમદાવાદ, બેંગલુરુ, કોચ્ચિ, હૈદરાબાદ, ચેન્નઈ, ગોવા, મુંબઈ અને નવી દિલ્હીથી 12 વિશેષ વિમાનો દ્વારા નાગરિકોને પરત બોલાવવાની વ્યવસ્થા કરી છે. ગત સપ્તાહ સુધી બ્રિટનના 35,000 નાગરિકો ભારતમાં હતા અને તેમાંથી 20,000 નાગરિકોએ પરત જવાનો ફેંસલો કર્યો છે.