નવી દિલ્હીઃ ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસે હાલ સમગ્ર વિશ્વમાં ફફડાટ ફેલાવી રાખ્યો છે. પરંતુ ચીનની બાજુના દેશ સાઉથ કોરિયાએ કોરોના વાયરસને હાર આપી છે. આ દેશના લોકોએ તેને હરાવવા અનેક પ્રકારની રીતો અપનાવી હતી જે સફળ સાબિત થઈ હતી. જે રીતે આ દેશે કોરોનાને હરાવવા માટે લડાઈ લડી છે તેને હવે સમગ્ર વિશ્વ મૉડલ તરીકે અપનાવી રહ્યું છે.

દક્ષિણ કોરિયા કોરોના સંક્રમિત દેશોના લિસ્ટમાં આઠમા નંબર પર છે. અહીંયા સંક્રમણના 9137 કેસ આવ્યા છે, જેમાંથી 3500 લોકો ઠીક થઈ ગયા છે અને 129 લોકોના મોત થયા છે. જ્યારે માત્ર 59 લોક ગંભીર છે.

હજુ સુધી નથી કર્યુ Lockdown

ચોંકાવનારી વાત એ છે કે પ્રથમ મામલો સામે આવ્યા બાદ આજદિન સુધી અહીં Lockdown નથી થયું કે ન તો બજાર બંધ થયા છે. દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી કાંગ યુંગ વાએ જણાવ્યું કે, જલ્દી ટેસ્ટ અને શ્રેષ્ઠ સારવારના કારણે કોરાના વાયરસના મામલા ઓછા થયા છે અને મોત પણ ઓછા થયા છે. અમે દેશમાં 6000 ટેસ્ટિંગ સેન્ટર ખોલ્યા અને 50થી વધારે ડ્રાઇવિંગ સ્ટેશનો પર સ્કીનિંગ કર્યુ.

અપનાવી આવી વિવિધ રીતો

દક્ષિણ કોરિયામાં સંક્રમણની તપાસ માટે સરકારે મોટી ઈમારતો, હોટલો, પાર્કિંગ અને જાહેર સ્થળો પર થર્મલ ઈમેજિંગ કેમેરા લગાવ્યા, જેનાથી પીડિતોની ઓળખ તરત થઈ શકી હતી. હોટલો અને રેસ્ટોરંટમાં તપાસ કર્યા બાદ પ્રવેશવાની મંજૂરી અપાતી હતી. સંક્રમણથી બચવા માટે હાથનો ઉપયોગ કરવાની રીત પણ શીખવી હતી.

નાની નાની વાતની પણ લોકોને આપી તાલીમ

આ ઉપરાંત દરેક નાનામાં નાનું કામ કેવી રીતે કરવું તે પણ શીખવાડ્યું હતું. જેના કારણે ત્યાં કોરોના વાયરસ ફેલાતો અટક્યો અને કાબૂ મેળવી શકાયો.