વુહાનઃ ચીનમાંથી શરૂ થયેલા કોરોના વાયરસે હાલ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. વિશ્વભરમાં 15,000થી વધારે લોકોને આ વાયરસ ભરખી ગયો છે અને હજુ પણ તેની કોઈ દવા શોધી શકાય નથી ત્યારે ચીન વધુ એક નવો વાયરસ મળી આવ્યો છે. ચીનના યુન્નાન પ્રાંતમાં સોમવારે એક વ્યક્તિનું હંતા વાયરસ (Hantavirus)થી મોત થયું છે. હાલ આ વાયરસ ગૂગલમાં પણ ટ્રેન્ડ કરી રહ્યો છે.


મળતી માહિતી પ્રમાણે, હંતા વાયરસથી મોતને ભેટનાર વ્યક્તિ શાડોંગ તરફ આવી રહ્યો હતો તે દરમિયાન તેનો હંતા વાયરસ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ બસમાં સવાર 32 લોકોની પણ તપાસ કરવામાં આવી છે. ચીનના સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઇમ્સે આ ઘટનાની જાણકારી આપ્યા બાદ સોશિયલ મીડિયા પર બબાલ મચી ગઈ છે.

કેવી રીતે ફેલાય છે Hantavirus

એક્સપર્ટ્સના કહેવા મુજબ, કોરોના વાયરસની જેમ હંતા વાયરસ ઘાતક નથી. કોરોનાથી વિપરીત તે હવા દ્વારા ફેલાતો નથી. ઉંદર કે ખિસકોલીના સંપર્કમાં આવવાથી તે ફેલાય છે. સેંટર ફોર ડિઝિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેંસન મુજબ,  ઉંદરના કારણે હંતા વાયરસના સંક્રમણનો ખતરો રહે છે. જો કોઈ સ્વસ્થ વ્યક્તિ પણ હંતા વાયરસના સંપર્કમાં આવે તો તે સંક્રમિત થઈ શકે છે.

સંક્રમિત વ્યક્તિમાં જોવા મળે છે આ લક્ષણો

હંતા વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં પ્રવેશી શકતો નથી. પરંતુ જો કોઈ વ્યક્તિ ઉંદરના મળ,પેશાબને સ્પર્શ કર્યા બાદ પોતાના આંખ, નાક કે મોં ને સ્પર્શ કરે તો હંતા વાયરસના સંક્રમણનો ખતરો વધી જાય છે. આ વાયરસથી સંક્રમિત થવા પર વ્યક્તિને શરદી, માથાનો દુખાવો, પેટમાં દર્દ, ઉલ્ટી, ઝાડા જેવા લક્ષણો જોવા મળે છે. જો સંક્રમિત વ્યક્તિની સારવારમાં વિલંબ થાય તો ફેફસામાં પાણી ભરાઈ જાય છે અને શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે.

સંક્રમિત વ્યક્તિના મોતની કેટલી છે ટકાવારી

સેંટર ફોર ડિઝિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેંસન મુજબ હંતા વાયરસ જીવલેણ છે. તેનાથી સંક્રમિત વ્યક્તિઓના મરવાની ટકાવારી 38 ટકા જેટલી છે.