Coronavirus: ઈંગ્લેન્ડમાં કોરોના વાયરસના કેસ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. ગયા મહિને કોવિડ-19ના કરવામાં આવેલા પરીક્ષણમાં દર 16માંથી એક વ્યક્તિ એટલે કે 6.37 ટકા લોકો સંક્રમિત જોવા મળ્યા હતા. આ દર ફેબ્રુઆરીમાં નોંધાયેલા ચેપના દર કરતાં બમણો છે. ફેબ્રુઆરીમાં દર 35 લોકોના પરીક્ષણમાં એક વ્યક્તિ કોવિડ સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. એક નવા અભ્યાસમાં આ માહિતી મળી છે


 યુકેમાં, ઈમ્પીરીયલ કોલેજ લંડનના લાંબા સમયના 'રીઅલ-ટાઇમ એસેસમેન્ટ ઓફ કોમ્યુનિટી ટ્રાન્સમિશન (રિએક્ટ-1)'ના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે સંક્રમણનો દર 30 દિવસે બમણો થાય છે. અભ્યાસના સર્વેલન્સ ડેટા અનુસાર, ચેપના મોટાભાગના કેસો Omicron ના BA.2 "સ્ટીલ્થ વેરિઅન્ટ" માંથી આવ્યા હતા.


બુધવારે બહાર પાડવામાં આવેલ અભ્યાસ 8 થી 31 માર્ચની વચ્ચે લેવામાં આવેલા લગભગ 1,10,000 લાળના નમૂનાઓ પર આધારિત છે. ઇમ્પિરિયલ સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થના રિએક્ટ પ્રોગ્રામના ડિરેક્ટર પ્રોફેસર પોલ એલિયટે કહ્યું, "જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે આ વલણ ચિંતાજનક છે, તે વધુ લોકોને ગંભીર રીતે બીમાર કરી શકે છે અને તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડી શકે છે.'


તેમણે કહ્યું, "જો કે પ્રતિબંધો સમાપ્ત થઈ ગયા છે તેમ છતાં હું લોકોને વિનંતી કરીશ કે અન્ય લોકોની સુરક્ષા માટે સાવચેતીપૂર્વક વર્તન કરો અને જો તમને રોગના લક્ષણો દેખાય, તો તમે અન્ય પગલાં લઈ શકો છો. લોકોના સંપર્કમાં આવવાનું ટાળો. જે આ વાયરસના ફેલાવાને ઘટાડવામાં મદદ કરશે.


રિસર્ચમાં ઓમિક્રોન વેરિઅન્ટ્સ XE અને XLની નાની સંખ્યા પણ બહાર આવી છે, જે ઓમિક્રોનના મૂળ BA.1 અને BA.2 સ્વરૂપોનું મિશ્રણ છે. અગાઉના ડેટાની સરખામણી દર્શાવે છે કે તમામ વય જૂથોમાં ચેપના કેસમાં વધારો થયો છે અને પ્રાથમિક શાળાએ જતા બાળકોમાં તે સૌથી વધુ છે. પાંચથી 11 વર્ષની વયના દર 10માંથી એક બાળક સંક્રમિત જોવા મળે છે. જોકે કે નવા ચેપનો દર પાંચથી 54 વર્ષની વય જૂથમાં ઘટી રહ્યો છે.


વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોનાના XE વેરિઅન્ટ અંગે ચેતવણી આપી હતી કે કોરોનાના નવા વેરિઅન્ટને લઈ સાવધાની રાખવી જોઈએ. આ વેરિઅન્ટ બીએ.2ની તુલનામાં 10 ટકા વધારે સંક્રામક છે અને ઝડપથી ફેલાય છે. આ વેરિઅન્ટને લઈ રિસર્ચ કરવાની જરૂર છે.