રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાને ભારતની તટસ્થતા પસંદ આવી રહી નથી. અમેરિકા અગાઉ પણ અનેકવાર ભારતને સ્ટેન્ડ લેવાની વાત કહી ચૂક્યું છે. અનેકવાર અમેરિકાએ અપ્રત્યક્ષ રીતે દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ ભારતે અત્યાર સુધી પોતાનું વલણ જાળવી રાખ્યું છે. પરંતુ હવે અમેરિકા ભારતને ખુલ્લી ધમકી આપવા લાગ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનના ટોચના આર્થિક સલાહકાર બ્રાયન ડીઝે કહ્યું હતું કે રશિયા સાથે ગઠબંધનની ભારતને ભારે કિંમત ચૂકવવી પડી શકે છે. અમે ચીન અને ભારતના આ મુદ્દા પર લેવામાં આવેલા નિર્ણયોથી નિરાશ થયા છીએ.


અમેરિકા સાથે સંબંધો થઇ શકે છે જટિલ


બુધવારે પત્રકારો સાથેની વાતચીતમાં ડીઝે કહ્યું કે યુક્રેન સંકટ પર ભારત અને ચીને જે રીતે તટસ્થતા બતાવી છે તેનાથી અમેરિકા ખૂબ નિરાશ થયું છે. બ્રાયન ડીઝે કહ્યું કે મોસ્કો સાથે વધુ વ્યૂહાત્મક  ગઠબંધનના પરિણામો લાંબા ગાળાના હશે. એક તરફ અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને જાપાને રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે તો બીજી તરફ ભારતે આ પ્રતિબંધોને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે અને ભારત રશિયામાંથી તેલ આયાત કરવાની તૈયારી કરી રહ્યું છે. આ મામલે ભારતની પ્રતિક્રિયા વોશિંગ્ટન સાથેના તેના સંબંધોને જટિલ બનાવી રહી છે. એશિયામાં જ્યાં ચીનના પ્રભાવનો સામનો કરવા માટે ભારતને એક મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે જોવામાં આવે છે, ત્યાં અમેરિકા સામે ભારતનું વલણ યોગ્ય નથી.


અગાઉ દલીપ સિંહે વાંધો ઉઠાવ્યો હતો


નોંધનીય છે કે આ પ્રથમવાર નથી જ્યારે અમેરિકાએ ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હોય. આ અગાઉ રશિયા પાસેથી સસ્તામાં તેલ ખરીદવાના ભારતના પ્રયાસો સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનના નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દલીપ સિંહે તેમની ભારત મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, "જો ચીન એલએસીનું ઉલ્લંઘન કરે છે, તો ભારતે એવી અપેક્ષા ન રાખવી જોઈએ કે રશિયા તેના બચાવમાં આવશે કારણ કે રશિયા અને ચીન વચ્ચે ભાગીદારીની કોઈ મર્યાદા નથી. તેમણે યુક્રેન યુદ્ધ પર ભારતની પ્રતિક્રિયાના સંદર્ભમાં આ નિવેદન આપ્યું હતું.