વોશિંગ્ટનઃ કોરોના મહામારી વચ્ચે અમેરિકામાં ફસાયેલા ભારતીયો માટે રાહતના સમાચાર છે. અમેરિકામાં ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધૂએ જણાવ્યું કે, 25000 ભારતીયોએ વતન વાપસી માટે નોંધણી કરાવી છે. થોડા જ દિવસોમાં આ લોકો વતન પરત ફરશે.


તેમણે કહ્યું, અમેરિકા છોડવા ઈચ્છતા ભારતીય નાગરિકોને અહીંયાથી કાઢવાનું કામ ચાલુ રહેશે. ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, એક અઠવાડિયામાં 25,000 લોકોએ નોંધણી કરાવી છે. આ લોકોની ઉડાન નિશ્ચિત કરી લેવામાં આવી છે. પ્રથમ તબક્કામાં સાત ફ્લાઇટ ટેક ઓફ કરશે અને કામ પ્રગતિ પર છે.



ભારત ફરવા ઈચ્છતા લોકો માટે અનેક બાબતો મહત્વની છે. નાગરિકની સ્થાનિક સ્થિતિ શું છે, તેમનો તબીબી રિપોર્ટ શું આવે છે જેવી બાબતો ધ્યાનમાં લેવામાં આવી રહી છે. જેના આધારે અમે પ્રથમ સપ્તાહના કાર્યક્રમને આગળ વધારીશું.

અમેરિકામાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા રવિવારે સવારે વધીને 13,47,309 થઈ છે. 80,037 લોકોના મોત થયા છે. 2,38,000 લોકો સાજા થઈ ગયા છે. ન્યૂયોર્કમાં સૌથી વધારે 3,43,409 કેસ સામે આવ્યા છે અને 26,771 લોકોના મોત થયા છે. ન્યૂજર્સીમાં 1,38,579 સંક્રમિતો નોંધાયા છે અને 9,118 લોકોના મોત થયા છે.