બેઇજિંગઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કહેર વધી રહ્યો છે. કોરોના વાયરસથી સંક્રમિત લોકોનો વૈશ્વિક આંકડો વધીને 70 લાખની નજીક પહોંચી ગયો છે, જ્યારે આ વાયરસના કારણે મૃતકોની સંખ્યા પણ ચાર લાખને પાર પહોંચી ગઈ છે. વર્લ્ડોમીટર અનુસાર, દુનિયાભરમાં રવિવારે સવાર સુધી કુલ 69 વાખ 73 હજાર 427 લોકો કોવિડ-19 થી સંક્રમિત થયા છે. જેમાં મરનારોઓનો આંકડો 4 લાખ 02 હજાર 049 પહોંચી ગયો છે.
આ દરમિયાન અનેક દેશો કોરોનાની રસી શોધવામાં લાગ્યા છે. પરંતુ હજુ સુધી સફળતા મળી નથી. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ પ્રમાણે, રવિવારે ચીનના સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રીએ કહ્યું, જો નોવેલ કોરોના વાયરસ રસી વિકસાવવામાં સફળ થશે તો ચીન આંતરરાષ્ટ્રીય સહયોગ વધારશે. બેઇજિંગમાં પ્રેસ કોન્ફરન્સમાં મંત્રી વાંગ ઝિયાંગે કહ્યું, ચીન વિશ્વના લોકો માટે સારી હોય તેવી રસી બનાવશે.
ચીનના વુહાનથી ગત વર્ષના અંતમાં શરૂ થયેલા કોરોના વાયરસે હાલ સમગ્ર વિશ્વને તેની ઝપેટમાં લઈ લીધું છે. કોરોના સંક્રમતિ મામલે સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકામાં કુલ 1 લાખ 12 હજાર 096 મોત થયા છે, જ્યારે સંક્રમણના સર્વાધિક 19 લાખ 88 હજાર 544 કેસ નોંધાય છે. કોવિડ-19 સંક્રમણના 6 લાખ 75 હજાર 830 કેસ સાથે બ્રાઝીલ બીજા નંબરે છે, જ્યારે રશિયા 4 લાખ 58 હજાર 689 કેસ સાથે ત્રીજા નંબરે છે.
કોરોના વાયરસે દુનિયાભરના 213 દેશોમાં પગ પેસારો કર્યો છે. 76 ટકા કોરોનાના કેસ માત્ર 14 દેશોમાંથી આવ્યા છે. આ દેશોમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 52 લાખથી વધુ છે.