વોશિંગ્ટનઃ અમેરિકામાં અનેક હોસ્પિટલો કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવાર માટે મલેરિયામાં ઉપયોગમાં લેવાતી દવા હાઈડ્રોક્સીક્લોરોક્વિનનો ઉપયોગ કરી રહી છે. મીડિયામાં આવેલા રિપોર્ટમાં આ જાણકારી મળી છે. મેડિકલ પબ્લિકેશન એમડેઝમાં શુક્રવારે પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, મલેરિયાની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવા હાઈડ્રોક્સીક્લોરોક્વિન (HCQ) અને તોસીલિઝુમૈબ દવાથી યેલ ન્યૂ હેવન હેલ્થ સિસ્ટમની હોસ્પિટલોમાં કોરોના વાયરસના સંક્રમિતોની સારવાર થઈ રહી છે.


ભારતીય-અમેરિકન હૃદયરોગ વિશેષજ્ઞ નિહાર દેસાઈએ મેડિસીન પબ્લિકેશન એમડેઝને જણાવ્યું, "આ દવા સસ્તી છે. દાયકાઓથી તેનો ઉપયોગ થઈ રહ્યો છે અને લોકો તેનાથી આરામ અનુભવે છે. અમે અમારા તરફથી પણ પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણે ફરીથી કોરોના વાયરસ વૈશ્વિક મહામારી જેવી કોઈ ચીજનો ક્યારેય સામનો ન કરવો પડે તેવી આશા રાખી રહ્યા છીએ."

આ દરમિયાન યુએસએફડીએ કોવિડ-19ના દર્દીની સારવાર માટે વાયરસનો સામનો કરી શકતી દવા રેમડેસિવિરના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. જે લોકોને આ દવા આપવામાં આવી તેઓ સરેરાશ 11 દિવસમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગયા હતા.

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાના એંથની ફૉસીએ જણાવ્યું કે, આ દવા ગંભીર રીતે બીમાર કોરોના વાયરસના દર્દીની સારવામાં ઉપયોગી થશે. હજુ સુધી આ દવાનો ઉપયોગ સામાન્ય બીમાર લોકો પર કરવામાં આવ્યો નથી. એફડીએ દ્વારા કોવિડ-19 દર્દીની સારવાર માટે સૌથી પહેલા હાઈડ્રોક્સીક્લોરોક્વિન દવાના ઉપયોગને મંજૂરી આપી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ દવાનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખે છે. આ દવાથી ન્યૂયોર્ક અને ઘણી જગ્યાએ કોવિડ-19 દર્દીની સારવાર થઈ રહી છે.

અહેવાલ પ્રમાણે મલેરિયામાં ઉપયોગમાં લેવાતી હાઈડ્રોક્સીક્લોરોક્વિન કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ માટે પ્રથમ તબક્કામાં પ્રભાવશાળી પરિણામ આપ્યું છે પરંતુ હૃદયરોગીઓ માટે ઘાતક છે. ટ્રમ્પના આગ્રહ પર ભારતે અમેરિકાને હાઈડ્રોક્સીક્લોરોક્વિનની પાંચ કરોડ ટેબ્લેટ મોકલી હતી.