વોશિંગ્ટનઃ વિશ્વમાં કોરોનાનો સૌથી વધારે કહેર અમેરિકામાં જોવા મળી રહ્યો છે. દુનિયામાં કોરોના સંક્રમિતોની સંખ્યા ખૂબ ઝડપથી અમેરિકામાં જ વધી રહી છે. અમેરિકામાં સતત ત્રીજા દિવસે 70 હજારથી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વની મહાશક્તિ ગણાતા અમેરિકામાં 71 હજારથી વધારે નવા મામલા સામે આવ્યા અને 859 લોકોએ જીવ ગુમાવ્યો. અમેરિકામાં છેલ્લા બે મહિનાની તુલનામાં કોરોના દર્દીની સંખ્યા દરરોજ વધી રહી છે.

વર્લ્ડોમીટર પ્રમાણે, અમેરિકામાં કોરના વાયરસના દર્દીની સંખ્યા 37 લાખ 66 હજાર પાર થઈ ગઈ છે. જ્યારે એક 1 લાખ 41 હજાર 977 લોકોના મોત થયા છે. જોકે 17 લાખ 33 હજાર લોકો ઠીક થઈ ગયા છે. જે કુલ સંક્રમિતોના 44 ટકા છે. 18 લાખ 90 હજાર લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સૌથી વધારે 4,32,412 કેસ સામે આવ્યા છે. માત્ર ન્યૂયોર્કમાં 32,535 લોકોના મોત થયા છે. જે બાદ કેલિફોર્નિયામાં 3,74,162 કોરોના દર્દીમાંથી 7,611નાં મોત થયા છે. આ ઉપરાંત ન્યૂ જર્સી, ટેક્સાસ, મેસાચુસેટ્સ, ઈલિનોયસ, ફ્લોરિડા પણ સૌથી વધારે પ્રભાવિત થયા છે.

અમેરિકામાં સતત 12માં દિવસે 50 હજારથી વધારે કોરોનાના કેસ નોંધાયા છે. ચેપી રોગના નિષ્ણાત ડો. એન્થોની ફાઉસીએ ચેતવણી આપી છે કે જો અમેરિકનો ચેપને અટકાવવા માટે એકમત નહીં થાય તો ટૂંક સમયમાં કોરોનાના કેસની સંખ્યા રોજના એક લાખને પાર થઈ શકે છે.