નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોના વાયરસના કહેર વચ્ચે બ્રિટન માટે ખરાબ સમાચાર આવ્યા છે. બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઇના કહેવા પ્રમાણે, 71 વર્ષના પ્રિન્સ ચાર્લ્સનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. ક્લેરેન્સ હાઉસે બુધવારે તેની જાહેરાત કરતા કહ્યું કે, પ્રિન્સ ચાર્લ્સનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે પરંતુ તેનું સ્વાસ્થ્ય ઠીક છે.



71 વર્ષના પ્રિન્સ ચાર્લ્સનો કોરોના ટેસ્ટ સ્કોટલેન્ડમાં કરવામાં આવ્યો જ્યાં તેઓ પોતાની બીજી પત્ની કામિલા ડચેસ ઓફ કોર્નવાલ સાથે હતા. પ્રિન્સ ચાર્લ્સની બીજી પત્ની ડચેસ ઓફ કોર્નવાલ એમિલિયાનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે, તેમનો ટેસ્ટ નેગેટીવ આવ્યો હતો. ડોક્ટરની સલાહ બાદ બંન્ને સ્કોટલેન્ડમાં સેલ્ફ આઇસોલેશનમાં રહે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રિન્સ ચાર્લ્સ છેલ્લા કેટલાય દિવસથી અનેક સાર્વજનિક કાર્યક્રમોમાં હાજર રહ્યા હતા જેના કારણે તેઓ કોરોનાનો ભોગ બન્યા હતા.


યૂકેમાં કોરોના વાયરસના 8 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. આ વાયરસના કારણે 422 લોકોના મોત થઈ ચૂક્યા છે. અહીં 135 લકો રિકવર થઈ ચૂક્યા છે.