વોશિંગ્ટનઃ ભારતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. દેશમાં સતત બીજા દિવસે 4100થી વધુ કેસ નોંધાયા હતા. આ દરમિયાન સેનેટની હેલ્થ, એજ્યુકેશન, લેબર અને પન્શન કમિટીને યુએસના પ્રમુખના મુખ્ય મેડિકલ એડવાઇઝર ડો. એન્થોની ફૌસીએ જણાવ્યું હતું કે ભારત આજે ખરાબ હાલતમાં છે તેનું કારણ એ છે કે જ્યારે પહેલા કોરોના મહામારી આવી ત્યારે તેમણે તેના પર વિજય મેળવી લીધો હોવાની ખોટી ધારણા બાંધી લીધી હતી અને લોકડાઉન વહેલો ખોલી નાંખ્યો હતો જેને કારણે કોરોના મહામારીનું નવું મોજું આવ્યું જે આપણે બધા જાણીએ છીએ તેમ અત્યંત વિનાશક છે.
ડો. ફૌસીએ ભારતની હાલત પરથી મેળવેલા બોધપાઠ અંગે જણાવ્યું હતું કે એક મહત્વની બાબત એ છે કે આપણે કદી સ્થિતિને ઓછી આંકવી નહીં.બીજો મહત્વનો બોધપાઠ એ લેવો જોઇએ કે જાહેર આરોગ્યના વહીવટી માળખાને આપણે સતત મજબૂત બનાવતાં રહેવું જોઇએ કારણ કે ઘણાં રોગોને નિયંત્રણમાં લેવાની સફળતા તેના પર નિર્ભર છે. બીજો પાઠ એ લેવો જોઇએ કે આ વૈશ્વિક મહામારીમાં આપણી જવાબદારી માત્ર આપણાં દેશ પૂરતી જ નહીં પણ અન્ય તમામ દેશોને કોરોનાની રસી મળી રહે તે જોવાની પણ છે.
ભારતમાં કોરોનાથી સતત બીજા દિવસે 4100થી વધુ મોત
દેશમાં કોરોનાના કેસનું કિડિયારી ઉભરાયું છે. ભારતમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. આ દરમિયાન સતત બીજા દિવેસ 4100થી વધુ લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક અઢી લાખને પાર થઈ ગયો ગયો છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,62,727 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4120 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,52,181 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 37 લાખ 03 હજાર 665
- કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 97 લાખ 34 હજાર 823
- કુલ એક્ટિવ કેસ - 37 લાખ 10 હજાર 525
- કુલ મોત - 2 લાખ 58 હજાર 317
17 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 17 કરોડ 72 લાખ 14 હજાર 256 ડોઝ આપવામાં આવ્યા છે.
આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.