નવી દિલ્હીઃ કોરોના વાયરસના કહેર વચ્ચે કરોડો લોકો ઝડપથી રસી આવે તેવી આશા રાખી રહ્યા છે. કોરોના વાયરસને લઈ મોડર્નાની રસીનું વાંદરા પર થયેલું ટ્રાયલ સફળ સાબિત થયું છે. ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા રિસર્ચમાં જણાવાયું છે કે , અમેરિકાની બાયોટેક ફર્મ મોડર્નાની કોવિડ-19 રસીએ વાંદરા પર થયેલા ટ્રાયમાં મજબૂત ઈમ્યૂનિટી વિકસાવી છે. આ રસી વાંદરાના નાક અને ફેફસામાં કોરોના વાયરસની કોપી બનતી અટકાવવામાં સફળ રહી હતી.


અભ્યાસ મુજબ, વેક્સીને વાયરસને વાંદરાના નાકમાં કોપી કરવાથી અટકાવી હતી તે ખૂબ મહત્વપૂર્ણ છે. કારણકે વાયરસની કોપી બની જતી હોવાથી બીજા સુધી ફેલાય છે. જ્યારે ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સીનનું વાંદરા પર ટ્રાયલ થયું હતુ ત્યારે આ પ્રકારના પરિણામ સામે આવ્યા નહોતા. જોકે તે વેક્સીનને વાયરસને જાનવરના ફેફસામાં પ્રવેશતો અટકાવ્યો હતો.

ન્યૂઝ એજન્સી એએફપી મુજબ, મોડર્ના એનિમલ સ્ટડીમાં 8 વાંદરાના ત્રણ ગ્રુપને વેક્સીન અને પ્લેસીબો ડોઝ અપાયો હતો. જેન ડોઝ 10 માઇક્રોગ્રામ અને 100 માઇક્રોગ્રામ હતો. જે વાંદરાને વેકસીન અપાઈ તેમાં વાયરસને મારતા હાઈલેવલ એન્ટીબોડીનું નિર્માણ જોવા મળ્યું હતું. બંને ડોઝવાળા વાંદરામાં એન્ટીબોડીઝનું લેવલ કોવિડ-19થી રિકવર થઈ ચુકેલા માણસોમાં રહેલા એન્ટીબોડીથી વધારે હતું.

વૈજ્ઞાનિકોએ વાંદરાને વેક્સીનનું બીજું ઈન્જેકશન આપ્યાના ચાર સપ્તાહ બાદ કોવિડ-19 વાયરસના સંપર્કમાં લાવવામાં આવ્યા હતા. વાંદરામાં  નાક અને ટ્યૂબના માધ્યમથી સીધા ફેફસા સુધી કોરોનાનો વાયરસ પહોંચાડવામાં આવ્યો હતો. ઓછા અને વધારે ડોઝ વાળા વાંદરાના ફેફસામાં બે દિવસ બાદ કોઈ રેપ્લિકેટિંગ વાયરસ નહોતો મળ્યો. પરંતુ જે વાંદરાને પેલ્સીબોવાળો ડોઝ અપાયો હતો તેમાં વાયરસની હાજરી જોવા મળી હતી.