નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા સ્ટેટમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. અહીં એક જ દિવસમાં 73 નવા કેસ નોંધાયા છે જેમાંથી 20 વ્યક્તિ એવી છે જેને ક્યાંથી ચેપ લાગ્યો એ જાણવા મળ્યું નથી. અહીં કોરોનાને રોકવા માટે 10 શહેરના 36 જેટલા વિસ્તારમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.


જોકે રાજ્યમાં કોરોનાના વાયરસને લઈને એક ચોંકવનારો ખુલાસો થયો છે. વિક્ટોરિયા રાજ્યના ગવર્નર ડેનિયલ એન્ડ્રૂએ કહ્યું કે, હોટલમાં કામ પર રાખવામાં આવેલ સ્ટાફની એક વ્યક્તિની ભૂલને કારણે કોરોના વાયરસના કેસમાં ઉછાળો આવ્યો છે.

કહેવાય છે કે, એક સિક્યુરિટી સ્ટાફે હોટલમાં કોરેન્ટાઈન અને આઇસોલેશનમાંમાં રાખવામાં આવેલ ગેસ્ટ સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. હેરલ્ડ સનના અહેવાલ અનુસાર એન્ડ્રોઈએ કહ્યું કે, ડીએનએ ટેસ્ટથી જાણવા મળ્યું છે કે, સ્ટાફ દ્વારા હોટલ કોરેન્ટાઈન દરમિયાન સ્વાસ્થ્ય સંબંધિત પ્રોટોકોલ તોડવાને કારણે કેસમાં ઉછાળો આવ્યો છે.

આરોપ છે કે, હોટલ સ્ટાફના લોકોએ ગેસ્ટ સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ઉપરાંત સિક્યુરિટી ગાર્ડે બધા સાથે હાથ મીલવવા ઉપરાંત લિફ્ટ પણ શેર કરી હતી. ઉપરાંત હોટલમાં કોરેન્ટાઈન હેઠળ રહેલા ગેસ્ટને મળવા માટે બહારથી અન્ય લોકો પણ આવતા હતા.

સિક્યૂરિટી ગાર્ડ એજન્સી પર પણ આરોપ છે કે તેણે સરકાર પાસેથી વધારે રૂપિયા લેવા માટે ગાર્ડની સંખ્યા વધારે દર્શાવી હતી.

હેરાલ્ડ સનમાં દાવો કરવામાં આવ્યો છે કે, હોટલમાં ખોટા નામના આધારે સ્ટાફને રાખવામાં આવ્યા હતા અને તેઓ કામ પૂરું થયા બાદ બહાર ફરતા હતા.

આ મામલે વિક્ટોરિયાના મુખ્ય સ્વાસ્થ્ય અધિકારી Annaliese van Diemen કહ્યું હતું કે, સ્ટામફોર્ડ પ્લાઝો હોટલમાં સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.