નવી દિલ્હીઃ ચીનના વુહાનમાંથી નીકળેલો કોરોના વાયરસ ધીમે ધીમે આખી દુનિયામાં ફેલાઇ ગયો, વુહાન બાદ આખા હુબેઇ પ્રાંતને કોરોનાએ પોતાની ઝપેટમાં લઇ લીધો અને ચીનની હાલત ખરાબ કરી દીધી હતી. જોકે, ચીની સરકારે એક લાંબુ લૉકડાઉન કરીને કોરોના વાયરસથી વુહાનને મુક્ત કરાવ્યુ હતુ.


એબીપી ન્યૂઝમાં છપાયેલી ખબર પ્રમાણે, હવે લાંબા અરસા બાદ કોરોના વાયરસે ચીનમાં પ્રકોપ ફેલાવવાનુ શરુ કર્યુ છે. રિપોર્ટ છે કે આ વખતે ચીનના શહેર હાર્બિનમાં કોરોનાએ એટેક કર્યો છે.

ચીનનુ હાર્બિન શહેર રશિયાની બોર્ડર સાથે જોડાયેલુ છે, આવામાં અધિકારીઓએ તાત્કાલિક પગલા ભરતાં આખા શહેરમાં અનેક પ્રકારની પાબંદીઓ લગાવી દીધી છે. લૉકલ મીડિયા અનુસાર ત્યાં નૉન લૉકલ અને નૉન લૉકલ રજિસ્ટર્ડ ગાડીઓને રેસિડેન્ટ એરિયામાં ઘૂસવા પર પાબંદી લગાવી દેવામાં આવી છે.

વુહાન બાદ હાર્બિનમાં કોરોનાના કેસો વધતા ચીન મુશ્કેલીમાં મુકાઇ ગયુ છે, આ કારણે શહેરમાં બહારથી આવનારા ટ્રાફિક પર રોક લગાવી દેવામાં આવી છે. સાથે ખાનગી સભાઓ કરવા પર પણ પાબંદી લગાવી દેવામાં આવી છે. ચીને રશિયા સાથે જોડાયેલી તમામ સીમા સીલ કરી દીધી છે.



નોંધનીય છે કે, હાર્બિન, હીલૉન્ગજિયાંગ પ્રાંતની રાજધાની છે, અહીં એક કરોડથી વધુ લોકોની વસ્તી છે. ચીનના અધિકારીઓએ જણાવ્યુ કે ગયા અઠવાડિયે 35 લોકો શહેરની બે હૉસ્પીટલોમાં સારવાર માટે કે કામ કરવા ગયા હતા, અને બધા લોકો 87 વર્ષના દર્દીઓના સંપર્કમાં આવીને કોરોના સંક્રમિત થઇ ગયા હતા. આ ઉપરાંત 23 એવા કેસો પણ સામે આવ્યા છે, જેના કોઇ લક્ષણો દેખાયા નથી.

હાર્બિન શહેરમાં હાલ 75 કેસો સામે આવ્યા છે, જ્યારે લગભગ 1400 લોકોને મેડિકલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. ચીનના નેશનલ હેલ્થ કમીશનનું માનીએ તો બુધવારે લૉન્ગજિયાંગ પ્રાંતમાં 537 કન્ફોર્મ કેસ સામે આવ્યા હતા. જેમાંથી 384 એવા છે જે બહારથી આવ્યા છે.

ચીનમાં અત્યાર સુધી 82,788 કોરોના મામલાઓની પુષ્ટિ થઇ છે, જ્યારે 4632 પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.