બેન્કૉકઃ દુનિયાભરમાં અત્યારે કોરોના વાયરસ મહામારીની બીજી લહેર ચાલી રહી છે. આ લહેર પહેલા કરતા વધુ ઘાતક અને જીવલેણ સાબિત થઇ રહી છે. દુનિયાભરમાં રોજના હજારોની સંખ્યામાં મૃત્યુ પામી રહ્યાં છે. ત્યારે દરેક દેશો પોતાના નાગરિકો માટે ફેસમાસ્ક પહેરવુ ફરજિયાત કરી દીધુ છે, અને આ માટેના નિયમો પણ કડક બનાવી દેવામાં આવ્યા છે. રિપોર્ટ છે કે, થાઇલેન્ડના વડાપ્રધાનને પણ ફેસમાસ્કના નિયમોનુ ઉલ્લંઘન કરવા બદલ દંડ થયો છે. 


મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, થાઇલેન્ડના વડાપ્રધાન પ્રાયુત ચાન ઓ ચાને (Prayut Chan-o-cha) માસ્ક ના પહેરવાના કારણે અધધધ દંડ ફટકારવામા આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે ફેસમાસ્ક ના પહેરવાને લઇને વડાપ્રધાનને થાઇલેન્ડ ઓથોરિટીએ થાઇલેન્ડ કરન્સી બહાત પ્રમાણે 20,000 બહાત ($640) દંડ કર્યો છે. આ ભારતીય રૂપિયા પ્રમાણે આ દંડની રકમ લગભગ 48 હજાર રૂપિયા થાય છે. થાઇલેન્ડ વડાપ્રધાન જ્યારે પબ્લિક પ્લેસમાં હતા તે સમયે તેમના મોંઢા પર માસ્ક ન હતુ, આને લઇને ઓથોરિટીએ તેમને કોરોનાની ગાઇડલાઇનના ઉલ્લંઘન અંતર્ગત દોષી ઠેરવીને દંડની સજા કરી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં થાઇલેન્ડમાં પણ કોરોનાએ કેર વર્તાવ્યો છે અને સામાન્ય માણસની સાથે સાથે મેડિકલ સિસ્ટમ પણ સંઘર્ષ કરી રહી છે. થાઇલેન્ડમાં પણ દિવસે દિવસે કોરોના વાયરસના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. 


વડાપ્રધાન પ્રાયુત ચાન ઓચાએ પણ પોતોની ફેસબુક પૉસ્ટ પરથી આ વાતની જાણકારી આપી હતી. તેમને લખ્યું- સોમવારે હું બેન્કૉકમાં હતો, જ્યાં હું કોરોના વાયરસ વેક્સિનેશનની મીટિંગમાં હાજરી આપી રહ્યો હતો, આ દરમિયાન મે મારા મોંઢા પર માસ્ક ન હતુ લગાવ્યુ, આ તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં લોકોએ મારી ટિકા કરી હતી, આ ઘટના બાદ બેન્કૉક ઓથોરિટીએ મને 48 હજારનો દંડ ફટકાર્યો હતો. હું આ દંડ ભરી રહ્યો છું. 


બેન્કૉક સીટી ગર્વનર, અશ્વિન વાનમુન્ગે આ અંગે જણાવ્યુ કે, સીટી પોલીસ ચીફ અને બીજા ઓફિસરોએ વડાપ્રધાન પાસેથી અત્યારે 6,000 baht ($190) એટલે કે લગભગ 15 હજાર રૂપિયાની વસૂલી કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે ભારત જેવા દેશમાં કોરોના વિકરાળ રૂપ લઇ રહ્યો છે, છતાં ભારતમાં માસ્ક ના પહેરનારા નેતાઓને કંઇ થતુ નથી.


રિપોર્ટ પ્રમાણે, હાલ થાઇલેન્ડની રાજધાની બેન્કૉકમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસો સામે આવ્યા છે. થાઇલેન્ડ સરકારે એક્શન લેતા હાલ દેશમાં 30 પ્રકારના મોટા બિઝનેસ અને સર્વિસને બંધ કરાવી દીધા છે, જેમાં સિનેમાઘરો, પાર્ક, ઝૂ, બાર, પૂલ, મસાજ પાર્લર અને 20થી વધુ માણસોને એકઠા થવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જોકે, દેશમાં શૉપિંગ મૉલ અને ડિપાર્ટમેન્ટ સ્ટૉર્સને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. 


થાઇલેન્ડમાં હાલ 76 પ્રાંતોમાં કડક નિયમો સાથે ફેસમાસ્ક પહેરવુ અનિવાર્ય કરી દેવામાં આવ્યુ છે. ખાસ વાત છે કે દેશમાં કોરોના વાયરસના કારણે અત્યારે કોઇપણ જગ્યાએ લૉકડાઉન, કર્ફ્યૂ કે ટ્રાવેલ બેન નથી લાદવામાં આવ્યુ.   


થાઇલેન્ડમાં વધતા કોરોના કેર વચ્ચે આરોગ્ય મંત્રાલયે સોમવારે આંકડા જાહેર કર્યા હતા, તે અનુસાર દેશમાં સોમવારે એકજ દિવસમાં 2.048 નવા કેસો નોંધાયા છે, છેલ્લા ચાર દિવસથી દેશમાં 2 હજારથી વધુ નવા કેસો સામે આવી રહ્યાં છે. હાલ દેશમાં 57,508 કેસો છે અને 148 લોકો મૃત્યુ પામ્યા છે.