નવી દિલ્હી: એવા સમયયમાં જ્યારે અમેરિકાએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ને આપવામાં આવતા ફંડ પર રોક લગાવી દીધી છે, ત્યારે ચીને WHOને ત્રણ કરોડ ડૉલર વધારે આપવાની જાહેરાત કરી છે.


કોરોના વાયરસ(COVID-19) સામેની લડાઈ વચ્ચે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે WHOને વધુ સહાયતા આપવાની જાહેરાત કરી છે. આ દાન ચીન દ્વારા WHOને આ પહેલા આપવામાં આવેલા 2 કરોડ ડૉલરની રકમથી વધારે હશે.

ચીને થોડા સમય પહેલા જ અમેરિકા દ્વારા ડબ્લ્યૂએચઓનું ફંડિંગ રોકવા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપનો આરોપ છે કે ડબલ્યૂએચઓનું વલણ પક્ષપાતી છે અને તેઓ ચીનના પક્ષમાં ઝુકેલા છે.

અમેરિકા તરફથી ફંડ રોકવામાં આવતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટ્રેડોસ અદનોમે કહ્યું કે તેમને આશા છે કે સ્વાસ્થ્ય એજન્સીનું ફંડિંગ રોકવાના નિર્ણય પર અમેરિકા બીજી વખત વિચાર કરશે.

પરંતુ અમેરિકાના વલણ નરમ નથી જોવા મળી રહ્યું. કાલે જ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓબ્રાયને કહ્યું હતું 'ડબ્લ્યૂએચઓ સાથે મુશ્કેલી એ છે કે આ સંકટ દરમિયાન પોતાની વિશ્વસનીયતા ખોઈ ચુક્યું છે.'

તેમણે આરોપ લગાવ્યો કે, 'એવું નથી કે ડબ્લ્યૂએચઓ ઘણા વર્ષોથી પ્રામાણિક સંગઠન રહ્યું છે. અમેરિકા ડબલ્યૂએચઓ પર 50 કરોડ ડોલરથી વધુ ખર્ચ કરે છે. ચીન તેના પર આશરે ચાર કરોડ ડૉલર ખર્ચ કરે છે જે અમેરિકાના યોગદાનના દશમાં ભાગ કરતા પણ ઓછુ છે અને તેમ છતા ડબ્લ્યૂએચઓ ચીનના દુષ્પ્રચારનું સાધન બની ગયું છે.'