વિશ્વભરમાં ચાલી રહેલ કોરોના રસિકરણ અભઇયાનમાં ભારતે એક મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. હવે અમેરિકાએ પણ ભારતના વખાણ કર્યા છે. અમેરિકાના એક ટોચના વૈજ્ઞાનિકે કોરોના રસીને લઈને ભારતના ખૂબ વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે, ભારતની કોરોના રસીએ સમગ્ર વિશ્વને મહામારીથી બચાવ્યું છે.
હ્યુસ્ટનમાં બાયલર કોલેજ ઓફ મેડિસિનની નેશનલ સ્કૂલ ઓફ ટ્રોપિકલ મેડિસિનના ડીન ડૉ. પીટર હોટ્ઝે એક વેબિનારમાં જણાવ્યું હતું કે, એમઆરએનએની બે રસી દુનિયાના ગરીબ અને મધ્યમ આવકવાળા દેશો સુધી પહોંચી શકી નથી, પરંતુ ઑક્સફર્ડ યુનિવર્સિટીના સહયોગથી ભારતની સીરમ ઈન્સ્ટિટયૂટે બનાવેલી રસીનો પુરવઠો આખા વિશ્વમાં પહોંચી રહ્યો છે.
ભારતમાં કોરોના વાઈરસની બે રસીઓને ઈમર્જન્સી વપરાશ માટે મંજૂરી મળ્યા પછી બે ડઝનથી વધુ દેશોમાં ભારત દ્વારા રસી પહોંચાડવામાં આવી રહી છે. તેથી ભારતના યોગદાનને ઓછું આંકવું જોઈએ નહીં. વેબિનારને સંબોધન કરતાં પીટરે કહ્યું કે રસી સમગ્ર વિશ્વમાં પહોંચાડવી એ દુનિયા માટે ભારતની ભેટ સમાન છે.
ભારતે કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનને ઇમરજન્સી માટે મંજૂરી આપી છે. એસ્ટ્રાજેનેકા પાસેથી લાઈસન્સ મેળવ્યા પછી કોવિશિલ્ડનું ઉત્પાદન પૂણે સ્થિત સિરમ ઈન્સ્ટિટયૂટમાં થઈ રહ્યું છે. બીજીબાજુ ભારત બાયોટેક દ્વારા નિર્મિત કોવેક્સિન સંપૂર્ણપણે સ્વદેશી રસી છે. આ રસી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના વૈજ્ઞાાનિકોના સહયોગથી ભારત બાયોટેક દ્વારા સંયુક્ત રૂપે વિકસાવાઈ છે.